ઇંગ્લૅન્ડમાં ૨૩ વર્ષ ચાલેલો ડિવૉર્સનો કેસ જીતીને ૮૫ કરોડ રૂપિયા મેળવશે ભારતીય મહિલા

06 June, 2026 10:07 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

બ્રિટિશ કાયદા હેઠળ નાણાકીય સમાધાન કરતી વખતે બન્ને પક્ષે તેમની સંપત્તિ અને આવકની સંપૂર્ણ વિગતો આપવી આવશ્યક છે

વર્ષા ગોહિલ, પતિ ભદ્રેશ

ઇંગ્લૅન્ડમાં ૨૩ વર્ષ જૂના છૂટાછેડાના કેસમાં ૬૧ વર્ષની ભારતીય મૂળની મહિલા વર્ષા ગોહિલે ૬.૬ મિલ્યન પાઉન્ડ (આશરે ૮૫ કરોડ રૂપિયા)નું સેટલમેન્ટ મેળવ્યું હતું. વર્ષા ગોહિલના કેસને બ્રિટિશ કાનૂની ઇતિહાસમાં સૌથી લાંબા સમય ચાલેલા છૂટાછેડાના કેસમાંનો એક માનવામાં આવે છે.

૨૦૦૨માં કેસ કર્યો હતો
વર્ષા ગોહિલે ૨૦૦૨ના મે મહિનામાં વ્યભિચાર અને ગેરવાજબી વર્તનનું કારણ આપીને છૂટાછેડા માટે અરજી કરી હતી અને પ્રારંભિક સાધારણ સમાધાન તરીકે તેણે પતિ ભદ્રેશ પાસેથી ૨,૭૦,૦૦૦ પાઉન્ડ અને પરિવારની કાર મેળવીને સમાધાન સ્વીકાર્યું હતું. પછી તેને ખબર પડી હતી કે તેના વકીલ પતિ ભદ્રેશ ગોહિલ પાસે ઘણી સંપત્તિ છે જેને જાહેર કરવામાં તે નિષ્ફળ ગઈ હતી.

૨૦૦૭માં એક નવો ટર્ન
બ્રિટિશ કાયદા હેઠળ નાણાકીય સમાધાન કરતી વખતે બન્ને પક્ષે તેમની સંપત્તિ અને આવકની સંપૂર્ણ વિગતો આપવી આવશ્યક છે. વર્ષાને લાગ્યું હતું કે છૂટાછેડાની કાર્યવાહી દરમ્યાન ભદ્રેશે પોતાની સંપત્તિ જાહેર નહોતી કરી. ૨૦૦૭માં તેણે અગાઉના સેટલમેન્ટને રદ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. ૨૦૧૧માં જ્યારે ભદ્રેશને મની-લૉન્ડરિંગ અને છેતરપિંડીનો દોષી ઠેરવવામાં આવ્યો ત્યારે કેસમાં મોટો વળાંક આવ્યો હતો. નાઇજીરિયામાં ભ્રષ્ટાચાર માટે તેને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે તેની ૨૮ મિલ્યન પાઉન્ડની સંપત્તિ ફ્રીઝ કરી હતી, જે વિશ્વભરમાં છુપાવવામાં આવી હતી.

લાંબી કાનૂની લડાઈ 
ત્યાર બાદ કાનૂની લડાઈ એ વાત પર કેન્દ્રિત હતી કે શું એ સંપત્તિઓને દંપતીની વૈવાહિક સંપત્તિનો ભાગ ગણવી જોઈએ. વર્ષાનો પડકાર આખરે દેશની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે વર્ષાને નવા દાવા કરવાની મંજૂરી આપી. આમ છતાં નાણાકીય વિવાદનો વર્ષો સુધી ઉકેલ આવ્યો નહીં. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને સંપત્તિઓ શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેને કારણે ૨૦૨૩ સુધી હાઈ કોર્ટમાં નવી સુનાવણી અટકાવી દીધી. ભદ્રેશે સુનાવણીમાં દલીલ કરી હતી કે ફ્રીઝ કરાયેલી સંપત્તિ મારી નથી અને એથી છૂટાછેડાના ચુકાદામાં એનો સમાવેશ કરી શકાતો નથી. વર્ષાની દલીલ હતી કે સંપત્તિ અમારાં લગ્ન દરમ્યાન એકઠી કરવામાં આવી હતી અને દંપતીની સંપત્તિનું વિભાજન કરતી વખતે એનો વિચાર કરવો જોઈએ. કોર્ટે વર્ષોની દલીલ માની લીધી હતી.

international news world news united kingdom england