12 July, 2024 10:53 AM IST | Canada | Gujarati Mid-day Correspondent
આરોપી
કૅનેડાના એક વૉટરપાર્કમાં ૧૨ ટીનેજરોની જાતીય સતામણી કરવા બદલ પોલીસે ભારતીય મૂળના ૨૫ વર્ષના એક યુવકની ધરપકડ કરી છે. એક મહિલાએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી કે જો તમે મૅજિક માઉન્ટન વૉટરપાર્કમાં જતાં હો તો સાવચેત રહેજો, કારણ કે ત્યાં એક વ્યક્તિ મહિલાઓની જાતીય સતામણી કરે છે. આ પોસ્ટના આધારે બીજા દિવસે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને એ યુવકની ધરપકડ કરી હતી. જોકે પછીથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. હવે ૨૪ ઑક્ટોબરે તેણે કોર્ટમાં હાજર થવાનું છે. નવાઈની વાત એ છે કે પોલીસે આરોપીનું નામ જાહેર નથી કર્યું.
૭ જુલાઈની આ ઘટના બાદ પોલીસે લોકોને ફરિયાદ કરવા આગળ આવવાનું આહ્વાન કર્યું છે. પોલીસે કહ્યું હતું કે ‘અમે પેરન્ટ્સને કહી રહ્યા છીએ કે તમારાં બાળકોને પૂછો કે તેઓ ૭ જુલાઈની આસપાસ મૅજિક માઉન્ટન વૉટરપાર્ક ગયાં હતાં? અમે લોકોને એ પણ કહેવા માગીએ છીએ કે જાતીય સતામણીની ફરિયાદ ગમે ત્યારે થઈ શકે છે. જો કોઈ આ યુવકનાં કરતૂતનો ભોગ બન્યું હોય તો તેમણે ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ. અમે તેમની વાત સાંભળીશું અને માનીશું પણ ખરા.’