10 April, 2026 11:17 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
હોર્મુઝ સ્ટ્રેટ
બે અઠવાડિયાંના યુદ્ધવિરામમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી વેપારી જહાજો માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે મુખ્ય માર્ગમાં સમુદ્રી સુરંગોની જાળ પાથરેલી હોવાથી ઈરાને નવો વૈકલ્પિક માર્ગ અને દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. ઈરાન હાલમાં બારુદી માઇન્સ હટાવવાની કાર્યવાહી કરવા નથી માગતું, કેમ કે હજી સંપૂર્ણ સમાધાન નથી થયું. હોર્મુઝમાં હાલમાં ૨૩૦ જહાજો ફસાયેલાં છે. એમ છતાં હજી જહાજો પસાર નથી થઈ રહ્યાં. એનું કારણ છે સમુદ્રમાં પથરાયેલી સુરંગો. યુદ્ધવિરામની શરત મુજબ વેપારી જહાજોને સેફ પૅસેજ મળે એ માટે હોર્મુઝ સ્ટ્રેટમાં જ કયો માર્ગ સેફ છે એનું ચિત્રણ ત્યાંથી પસાર થતાં જહાજોને કમ્યુનિકેટ કરવામાં આવ્યું છે. ઈરાન રેવલ્યુશનરી ગાર્ડ્સે સ્થાનિક મીડિયા દ્વારા જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ‘હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે પસાર થતાં તમામ જહાજોએ ઈરાનને પહેલાં જાણ કરવી પડશે, સમુદ્રી સુરક્ષા અને સિદ્ધાંતોનું પાલન કરવાનું રહેશે અને સમુદ્રી સુરંગો સાથે ટકરાવ ન થઈ જાય એ માટે સૂચવેલા બે માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.’
પ્રસ્તાવિત રસ્તાઓમાં ઓમાન તરફના સમુદ્રી રસ્તા અને લારક દ્વીપ પાસેનો રસ્તો સેફ ગણાવ્યો છે.