ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા દરમ્યાન નેતન્યાહુના ફોને બાજી બગાડી

14 April, 2026 10:59 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

શાંતિમંત્રણામાં અમેરિકાનું ધ્યાન ઈરાન સાથે ડીલને બદલે ઇઝરાયલનાં હિતો પર વધુ હતું

બેન્જામિન નેતન્યાહુ

પાકિસ્તાનની યજમાનીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી ૨૧ કલાકની લાંબી મૅરથૉન શાંતિ વાર્તા કોઈ પણ નક્કર સમજૂતી વિના પૂરી થઈ છે. આ વાર્તા નિષ્ફળ જવા પાછળ ઈરાને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને જવાબદાર ઠેરવ્યા છે. તેહરાનનો આરોપ છે કે જ્યારે વાર્તા નિર્ણાયક તબક્કે પહોંચી હતી ત્યારે નેતન્યાહુએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સને ફોન કર્યો હતો જેને કારણે વાટાઘાટોનું વલણ બદલાઈ ગયું હતું.

ઈરાનના વિદેશપ્રધાન સૈયદ અબ્બાસ અરાગચીના જણાવ્યા અનુસાર ઈરાન સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વાર્તામાં સામેલ થયું હતું. જોકે નેતન્યાહુ અને જે. ડી. વૅન્સ વચ્ચે થયેલી કથિત વાતચીત બાદ અમેરિકાનું ધ્યાન ઈરાન સાથેના કરારને બદલે ઇઝરાયેલનાં હિતો પર કેન્દ્રિત થઈ ગયું હતું. અરાગચીએ આક્ષેપ કર્યો હતો કે ‘અમેરિકા જે યુદ્ધ દ્વારા હાંસલ ન કરી શક્યું એ વાટાઘાટોના ટેબલ પર મેળવવા માગતું હતું.’

બીજી તરફ અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સે ઇસ્લામાબાદ છોડતાં પહેલાં જણાવ્યું હતું કે અમેરિકાએ એની ‘અંતિમ અને શ્રેષ્ઠ’ ઑફર રજૂ કરી હતી. જોકે ઈરાન દ્વારા પરમાણુ સંવર્ધનના મુદ્દે લેવામાં આવેલા કડક વલણને કારણે કોઈ સમજૂતી થઈ શકી નથી.’ વૅન્સે સ્પષ્ટ કર્યું કે પરમાણુ કાર્યક્રમ અંગેના મતભેદો જ આ વાટાઘાટોમાં મુખ્ય અવરોધ બન્યા હતા.

international news world news benjamin netanyahu israel iran united states of america middle east crisis