20 September, 2026 01:31 PM IST | Iran | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અમેરિકા અને ઇઝરાયલ સાથે ગત ફેબ્રુઆરી મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન સરકાર દ્વારા આયોજિત ‘જાનફદા’ એટલે કે ‘ઈરાન માટે બલિદાન’ રૅલીમાં શુક્રવારે તેહરાનમાં લાખો લોકો જોડાયા હતા. આ રૅલીમાં હિજાબ પહેરેલી અને હાથમાં AK-47 રાઇફલો ધરાવતી ઈરાની મહિલાઓ તેહરાનના રસ્તાઓ પર ઊતરી આવી હતી. રૅલીમાં ભાગ લેનારાઓએ ઈરાની ધ્વજ લહેરાવ્યા હતા અને અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.
બીજી તરફ તેહરાનમાં જ કેટલીક ઈરાની મહિલાઓએ માથા પર હિજાબ પહેર્યા વિના ૧૦ કિલોમીટરની રેસમાં ભાગ લીધો હતો; આ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે દેશમાં હિજાબના ફરજિયાત નિયમો હજુ પણ અમલમાં છે. વેલાયત પાર્કમાં શુક્રવારે યોજાયેલી આ રેસ દરમિયાન અનેક સ્પર્ધકો ખુલ્લા વાળ સાથે જોવા મળ્યા હતા; અહીં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.