12 June, 2026 09:09 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
હોર્મુઝની ખાડી
વૈશ્વિક વ્યાપાર માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ જળમાર્ગને ઈરાને આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાનની ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના આદેશ બાદ તાજેતરમાં રચાયેલી પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઑથોરિટીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર આ નિર્ણયની પુષ્ટિ કરી છે. સત્તાવાર નિવેદન અનુસાર અમેરિકી દળોની આક્રમકતા અને સૈન્યના વધતા તનાવને પગલે આ પગલું ભરવામાં આવ્યું છે. જે જહાજોને અગાઉ પસાર થવાની મંજૂરી અપાઈ હતી તેમને પણ દરિયાની વચ્ચે જ રોકાઈ જવાનો આદેશ આપવામાં આવ્યે છે.
આ મોટો નિર્ણય ઓમાનના ખાસાબ પોર્ટ નજીક ઈરાનના ૧૫૦ ટનના સ્થાનિક માલવાહક જહાજ પર અમેરિકા દ્વારા કરાયેલા પ્રોજેક્ટાઇલ હુમલા બાદ લેવાયો છે. IRGCએ કડક ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો કોઈ પણ જહાજ આ વિસ્તારમાંથી પસાર થવાની ગુસ્તાખી કરશે તો એને દુશ્મનોનું મદદગાર ગણીને સીધું નિશાન બનાવવામાં આવશે.
ઈરાન-અમેરિકાના વિરોધાભાસી દાવા
આ ભારે રાજકીય અને લશ્કરી તનાવ દરમ્યાન બન્ને દેશોના દાવા તદ્દન વિરોધાભાસી હતા. એક તરફ ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ સંપૂર્ણ બંધ હોવાની વાત પર મક્કમ છે તો બીજી તરફ અમેરિકી સૈન્યએ આ દાવો નકારતાં જણાવ્યું છે કે હોર્મુઝ બંધ થઈ નથી અને કમર્શિયલ જહાજોની અવરજવર હજી પણ સામાન્ય રીતે ચાલુ જ છે.
ઈરાન પર વિનાશક હુમલો કરવાની ધમકી આપ્યા પછી ડોનલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન : કહ્યું કે વાતચીત યોગ્ય દિશામાં જઈ રહી છે એટલે માંડી વાળ્યું
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ લશ્કરી સંકટ અને આર્થિક આંચકાઓ વચ્ચે પણ ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બની રહેશે. વર્લ્ડ બૅન્કે ગુરુવારે જાહેર કરેલા તાજેતરના ગ્લોબલ ઇકૉનૉમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસદરના અંદાજમાં કાપ મૂક્યો છે, પરંતુ ભારતની મજબૂત આર્થિક નીતિઓને બિરદાવીને એનો ગ્રોથરેટ વધાર્યો છે. વર્લ્ડ બૅન્કે દેશની મજબૂત સ્થાનિક ડિમાન્ડ અને આર્થિક સ્થિતિસ્થાપકતાને કારણે ૨૦૨૬ માટે ભારતનો વિકાસદર ૬.૫ ટકાથી વધારીને ૬.૬ ટકા કર્યો છે. દરમ્યાન, ૨૦૨૭ માટેનો GDP અંદાજ ૬.૬ ટકાથી વધારીને સીધો ૭.૨ ટકા કરી દીધો છે. વર્લ્ડ બૅન્કના ડેપ્યુટી ચીફ ઇકૉનૉમિસ્ટ અયહાન કોસે જણાવ્યું હતું કે ભારતમાં અદ્ભુત આર્થિક ગતિશીલતા છે અને એની યોગ્ય નીતિઓ વૈશ્વિક દબાણ સામે ઢાલ બની રહી છે.
યુદ્ધની વૈશ્વિક અસરો અને મોંઘવારીનો માર
વૈશ્વિક સ્લોડાઉન : પશ્ચિમ એશિયાના તનાવને લીધે વૈશ્વિક ગ્રોથરેટ ૨૦૨૫ના ૨.૯ ટકાથી ઘટીને ૨૦૨૬માં ૨.૫ ટકા થઈ જશે, જે કોરોના મહામારી પછીની સૌથી મોટી સુસ્તી છે.
દક્ષિણ એશિયા પર અસર : મોંઘા ઈંધણને કારણે આ ક્ષેત્રનો વિકાસદર ૭ ટકાથી ઘટીને ૬.૩ ટકા પર આવી જશે.
ક્રૂડ અને ખાતર મોંઘાં થશે : સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાથી બ્રેન્ટ ક્રૂડ ૨૦૨૬માં સરેરાશ ૯૪ ડૉલર પ્રતિ બૅરલ રહેવાની આશંકા છે. જો સ્થિતિ વધુ બગડશે તો ક્રૂડ ૧૧૫ ડૉલર સુધી પણ પહોંચી શકે છે.