ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ૧૦ ઑઇલ જહાજોને પસાર થવાની અનુમતિ ગિફ્ટ તરીકે આપી?

27 March, 2026 10:17 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આવો દાવો કરીને ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન વાતચીત માટે ગંભીર છે અને સમાધાનનો હાથ લંબાવવા તૈયાર હોવાનો સંકેત છે

હોર્મુઝ સ્ટ્રેટ

અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે એ વાતનો પુરાવો આપતું વધુ એક નિવેદન ગુરુવારે ડોનલ્ડ ટ્રમ્પે કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ઈરાને યુદ્ધવિરામ અને શાંતિવાર્તા માટેની તૈયારી બતાવવા અમેરિકાને ‘ગિફ્ટ’ તરીકે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ૧૦ ઑઇલ ટૅન્કરોને પસાર થવાની અનુમતિ આપી છે. ઈરાને પહેલાં ૮ ઑઇલ ટૅન્કરોને પસાર થવાની અનુમતિ આપ્યા પછી બીજાં બે વધુ જહાજો માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો. 

અમેરિકાના દૂત સ્ટીવ વિટકૉફને ઈરાનની આ ‘ગિફ્ટ’માં સમાધાનની સંભાવનાઓ દેખાઈ રહી છે. ટ્રમ્પનું કહેવું છે કે આ પગલું એ વાતનો સંકેત છે કે હવે તેહરાન વાતચીત માટે ગંભીર છે. અમેરિકાનું સૈન્ય-અભિયાન નિશ્ચિત સમયથી ઘણું આગળ વધી ગયું હોવાથી ઈરાન પર સતત દબાવ વધી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે ‘આ જહાજો પાકિસ્તાની ઝંડાવાળાં હોવાનું લાગી રહ્યું છે. આ પગલું માત્ર ઈરાનની વૈશ્વિક ધોરણે આર્થિક સહાયતાના સંકેતરૂપે જ નહીં, શાંતિવાર્તામાં આગળ વધવાની તૈયારી પણ દર્શાવે છે.’

પ્રસ્તાવ પ્રૅક્ટિકલ નથી, પણ કૂટનીતિક વાટાઘાટો શક્ય છે : ઈરાન

ઈરાન તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટતા કે પુષ્ટિ કરવામાં નહોતી આવી. જોકે ગુરુવારે રૉઇટર્સ એજન્સીના રિપોર્ટ મુજબ ઈરાની અધિકારીએ અમેરિકાનો સીઝફાયરનો પ્રસ્તાવ મળ્યો હોવાની પુષ્ટિ કરી હતી. એક ઈરાની અધિકારીએ કહ્યું હતું કે ‘આ પ્રસ્તાવ માત્ર અમેરિકા અને ઇઝરાયલનાં હિતોને જ કેન્દ્રમાં રાખે છે. એમાં ઈરાનનાં હિતોને જરાય જોવામાં નથી આવ્યાં. આ પ્રસ્તાવનો નિચોડ એ છે કે અમેરિકા ઇચ્છે છે કે ઈરાન પ્રતિબંધ હટાવવાની એક અસ્પષ્ટ યોજનાના બદલામાં પોતાની રક્ષા કરવાનો હક છોડી દે. આ પ્રસ્તાવ સફળ થાય એ માટે જે મિનિમમ શરતો હોવી જોઈએ એ પણ નથી. જો અમેરિકા વાસ્તવવાદી વિચાર સાથે વાતચીત કરવા તૈયાર થાય તો કૂટનીતિક વાટાઘાટો શક્ય છે.’

international news world news iran hormuz strait united states of america donald trump