ઇઝરાયલ અને અમેરિકા બન્ને હવે ઝડપથી યુદ્ધ પૂરું કરવા માગે છે

12 March, 2026 09:46 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હું ઇચ્છું ત્યારે યુદ્ધ બંધ કરી શકું એમ છું: ડોનલ્ડ ટ્રમ્પ/ અમે અંતહીન યુદ્ધ નથી ઇચ્છતા: ઇઝરાયલના વિદેશપ્રધાન

ડોનલ્ડ ટ્રમ્પ, અબ્બાસ અરાગજી

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના મહાયુદ્ધને ૧૨ દિવસ થયા પછી પણ ઈરાન ઘૂંટણિયે પડ્યું નથી. ભારે ખુવારી વહોર્યા પછી પણ ઈરાન લડાયક મૂડમાં જ છે ત્યારે ઇઝરાયલના વિદેશપ્રધાનના સૂર બદલાયા છે અને તેઓ કહે છે કે ‘અમે કદી ખતમ ન થાય એવું અંતહીન યુદ્ધ થાય એવું નથી ઇચ્છતા. વૉર ક્યારે પૂરી કરવી છે એ વિશે અમેરિકા સાથે મળીને સંયુક્ત નિર્ણય લેશે.’

બીજી તરફ વિદેશપ્રધાન ઈરાનના અબ્બાસ અરાગજી કહે છે, ‘જ્યાં સુધી જરૂરી હશે ત્યાં સુધી અમે મિસાઇલ હુમલા ચાલુ રાખીશું. અમારી અમેરિકા સાથે કોઈ પ્રકારની વાતચીત ચાલુ નથી.’

ગઈ કાલે ડોનલ્ડ ટ્રમ્પે પણ યુદ્ધ જલદી સંકેલાશે એવો સંકેત આપ્યો હતો. એક મીડિયા-હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથે યુદ્ધ બહુ બહેતરીન ચાલી રહ્યું છે અને એ જલદી પૂરું થશે. હું જ્યારે ઇચ્છીશ ત્યારે યુદ્ધનો અંત લાવી શકું એમ છું, કેમ કે અમેરિકાના ઈરાન પરના હુમલાઓ પછી હવે હુમલો કરવાલાયક લગભગ કશું જ બચ્યું નથી. અમારી શરૂઆતની યોજના છ વીક સુધી યુદ્ધ કરવાની હતી, પરંતુ અમેરિકાએ એ પહેલાં જ લક્ષ્ય મેળવી લીધું છે.’

ડોનલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં છીંડું

વાઇટ હાઉસ પાસે બૅરિકેડ્સ તોડીને વૅન ઘૂસી આવી એટલે આ વિસ્તારમાં અફરાતફરી મચી

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં ગઈ કાલે વહેલી સવારે હાઈ-સિક્યૉરિટી ઝોનવાળા રાષ્ટ્રપતિ ટ્રમ્પના આવાસ એટલે કે વાઇટ હાઉસની સુરક્ષામાં છીંડું પાડીને એક વૅન ત્યાં ઘૂસી આવી હતી. વાઇટ હાઉસ ફરતે લગાવેલાં બૅરિકેડ્સ તોડીને એ પ્રાંગણમાં ઘૂસી ગઈ હતી. આ ઘટના પછી અફરાતફરી મચી ગઈ હતી. એ પછી તરત જ એ વિસ્તારને કૉર્ડન કરી દેવામાં આવ્યો હતો. વાઇટ હાઉસની નૉર્થમાં આવેલા આ વિસ્તારમાં બૅરિકેડ્સ તોડનારા વૅનના ચાલકને સુરક્ષાદળોએ પકડી લીધો હતો. અત્યારે તેની પૂછપરછ ચાલી રહી છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નહોતું. 

international news world news middle east crisis iran israel united states of america donald trump