12 April, 2026 11:20 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
અમેરિકા સાથે વાટાઘાટો માટે ઇસ્લામાબાદ જઈ રહેલા ઈરાનના પ્રતિનિધિમંડળના પ્લેનની ખાલી સીટો પર મિનાબ સ્કૂલ પરના હુમલામાં મૃત્યુ પામેલાં ૧૬૮ બાળકોની તસવીરો અને સ્કૂલ-બૅગો ગોઠવવામાં આવી હતી. એને જોઈને ઇમોશનલ થઈ ગયેલા ઈરાની વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી.
ઈરાનનું પ્રતિનિધિમંડળ અમેરિકા સાથે યુદ્ધવિરામની ચર્ચા કરવા માટે પાકિસ્તાન પહોંચ્યું છે. ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ઇસ્લામાબાદ સુધીની મુસાફરીમાં એક ભાવનાત્મક અને વૈશ્વિક સંદેશ શૅર કર્યો હતો. ગાલિબાફે જે વિમાનમાં પ્રવાસ કર્યો એમાં મિનાબની એલિમેન્ટરી સ્કૂલમાં જીવ ગુમાવનારા ૧૬૮ જણની તસવીરો, ગર્લ-સ્ટુડન્ટ્સની તસવીરો અને તેમની લોહીથી લથપથ બૅગ્સ તમામ સીટો પર મૂકવામાં આવી હતી. આમ કરીને ઈરાને દુનિયાને મિનાબ સ્કૂલ-હુમલાની યાદ અપાવી હતી, જ્યાં યુદ્ધની શરૂઆતમાં અમેરિકા અને ઇઝરાયલી હુમલામાં ૧૬૮ બાળકોએ જીવ ગુમાવ્યા હતા.
ગાલિબાફે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વિમાનની અંદરનો એક ફોટો શૅર કર્યો હતો. ગાલિબાફે લખ્યું હતું કે આ ફ્લાઇટમાં મારા સાથીઓ, મિનાબ 168. અમેરિકા સાથે શાંતિમંત્રણા અને વાટાઘાટો માટે ઇસ્લામાબાદ જઈ રહેલા આ પ્રતિનિધિમંડળનું નામ ‘મિનાબ 168’ રાખવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકામાં ઈરાની દૂતાવાસે આ ફોટો ફરીથી શૅર કરીને લખ્યું હતું કે આપણે મિનાબનાં બાળકોને ક્યારેય નહીં ભૂલીએ.