08 April, 2026 11:23 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ઈરાનના નવનિયુક્ત સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ
ઈરાનના નવનિયુક્ત સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન છે અને હાલમાં ઈરાની શહેર કોમની એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
અમેરિકા-ઇઝરાયલી ગુપ્તચર સૂત્રો દ્વારા તેમના ગલ્ફ સાથીઓ સાથે શૅર કરાયેલા ડિપ્લોમૅટિક મેમોમાંથી ઇનપુટ્સનો ઉલ્લેખ કરીને આ અહેવાલમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે ૨૮ ફેબ્રુઆરીએ તેમના પિતા અને ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈની હત્યા કરવામાં આવી એ હવાઈ હુમલામાં મોજતબાને ગંભીર ઈજાઓ થઈ હતી. પરિણામે તેઓ દેશ ચલાવવામાં અસમર્થ છે અને કોમમાં સારવાર લઈ રહ્યા છે. મોજતબા ખામેનેઈને કોમમાં ગંભીર હાલતમાં સારવાર આપવામાં આવી રહી છે. તેઓ શાસન દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં સામેલ થવામાં અસમર્થ છે.
આ મેમોમાં સુપ્રીમ લીડર બન્યા પછી પહેલી વાર તેમનું સ્થાન પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેઓ હાલમાં તેહરાનથી ૮૭ માઇલ સાઉથના શહેરમાં રહે છે અને શિયા ઇસ્લામના સિદ્ધાંતો અનુસાર એને પવિત્ર માનવામાં આવે છે. અમેરિકા અને ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓને સુપ્રીમ લીડર ક્યાં છે એની જાણ હતી, પણ તેમણે આ વાત જાહેર કરી નહોતી.