04 June, 2026 09:39 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
આયાતોલ્લા અલી ખામેનેઈ
ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈને તેમના મૃત્યુના લગભગ ૪ મહિના પછી દફનાવવામાં આવશે. તેમની અંતિમ ઇચ્છા અનુસાર ખામેનેઈને મશહદમાં શિયા ઇસ્લામના પ્રખ્યાત ઇમામ રઝાના પવિત્ર દરગાહ સંકુલ પાસે દફનાવવામાં આવશે. ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના જણાવ્યા અનુસાર ખામેનેઈની અંતિમ વિદાય ૨૧ જૂનની આસપાસ થવાની ધારણા છે. સરકારે ખામેનેઈના સન્માનમાં ૩ દિવસનો શોક જાહેર કર્યો છે. ૨૮ ફેબ્રુઆરીએ તેહરાનમાં અમેરિકા-ઇઝરાયલી હુમલામાં તેમનું મોત થયું હતું.
તેમના અંતિમ સંસ્કાર મૂળ ૪ માર્ચે થવાના હતા, પરંતુ યુદ્ધને કારણે એને મુલતવી રાખવામાં આવ્યા હતા. અધિકારીઓને અપેક્ષા છે કે તેહરાન, કોમ અને મશહદમાં આશરે બે કરોડ લોકો અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપશે. લોકોને અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે ૩ સંપૂર્ણ દિવસ અલગ રાખવામાં આવ્યા છે.
ખામેનેઈના અંતિમ સંસ્કાર તેહરાનમાં થશે અને એ ઓછામાં ઓછા ૨૪ કલાક ચાલવાની અપેક્ષા છે. ત્યાર બાદ પાર્થિવને ધાર્મિક શહેર કોમ અને પછી મશહદ લઈ જવામાં આવશે, જ્યાં એને ઇમામ રઝા દરગાહ સંકુલમાં દફનાવવામાં આવશે. તેહરાન સુધરાઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે દફન પહેલાં ખામેનેઈના મૃતદેહને કોમ અને મશહદની શેરીઓમાં અંતિમયાત્રામાં લઈ જવામાં આવશે.
અગાઉનો રેકૉર્ડ તૂટશે
ઇસ્લામિક રિપબ્લિકના સ્થાપક આયાતોલ્લા રુહોલ્લા ખોમૈનીના ૧૯૮૯માં થયેલા અંતિમ સંસ્કાર વખતે આશરે એક કરોડ લોકો હાજર રહ્યા હતા. આ રેકૉર્ડ આ વખતે તૂટી જવાની ધારણા છે. એ સમયે ઈરાનની કુલ વસ્તીના લગભગ ૬ ટકા લોકો હાજર રહ્યા હતા. આ ઘટનાને હજી પણ વિશ્વના સૌથી મોટા અંતિમ સંસ્કારોમાંની એક માનવામાં આવે છે. ભીડ એટલી મોટી હતી કે ભાગદોડમાં ઓછામાં ઓછા ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને હજારો ઘાયલ થયા હતા.