ઈરાને નવા સુપ્રીમ લીડરની પસંદગી કરી,પણ નામની જાહેરાત ન કરી

09 March, 2026 09:53 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

અમેરિકા-ઇઝરાયલી હુમલામાં આયાતોલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવાની ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળે છે

આયાતોલ્લા અલી ખામેનેઈ

ઈરાનના નવા સુપ્રીમ લીડરના નામ પર સર્વસંમતિ થઈ છે, પરંતુ હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નવા સુપ્રીમ લીડરનો નિર્ણય ૮૮ સભ્યોની બનેલી દેશની શક્તિશાળી ધાર્મિક સંસ્થા ‘ઍસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ’ દ્વારા લેવામાં આવ્યો છે. 

‘ઍસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ’ના સભ્ય અહમદ અલામોલહોદાએ જણાવ્યું હતું કે ‘ઈરાનના સુપ્રીમ લીડરની નિમણૂક માટે મતદાન થયું છે અને નેતાની પસંદગી કરવામાં આવી છે. નવા સુપ્રીમ લીડરની પસંદગીની પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે, પરંતુ તેમના નામની હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સંસ્થાનું સચિવાલય પછીથી નામની જાહેરાત કરશે.’

‘ઍસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ’ ઈરાનના સુપ્રીમ લીડરની પસંદગી કરે છે. અમેરિકા-ઇઝરાયલી હુમલામાં આયાતોલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવાની ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળે છે.

કાઉન્સિલના સભ્ય આયાતોલ્લા મોહમ્મદ મેહદી મીરબાકેરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘મોટા ભાગના સભ્યો નવા સુપ્રીમ લીડરના નામ પર સર્વસંમતિ પર પહોંચી ગયા છે. જોકે અંતિમ જાહેરાત થાય એ પહેલાં કેટલીક પ્રક્રિયાઓ બાકી છે.’

ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પ્રક્રિયાઓ પૂરી થયા પછી જ નવા નેતાનું નામ જાહેર કરવામાં આવશે. કાઉન્સિલના એક વરિષ્ઠ ધર્મગુરુએ જણાવ્યું હતું કે ‘કેવી રીતે અંતિમ નિર્ણય લેવો એ અંગે હવે મતભેદો ઊભા થયા છે. કેટલાક સભ્યો ઇચ્છે છે કે ઔપચારિક બેઠક સામસામે યોજવામાં આવે, જ્યારે અન્ય સુરક્ષા-ચિંતાઓને કારણે બેઠક વિના નિર્ણયની જાહેરાત કરવાની તરફેણ કરે છે.’

international news world news iran israel united states of america middle east crisis