હોર્મુઝ પાસે ઈરાને અમેરિકાનું વધુ એક ફાઇટર જેટ તોડી પાડ્યું

05 April, 2026 11:04 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

જોકે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાના હુમલામાં ઈરાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે

અગાઉ તોડી પાડવામાં આવેલા F-15 જેટના બે ક્રૂ-સભ્યોમાંથી અત્યાર સુધી ફક્ત એકને જ બચાવી શકાયો છે

અમેરિકા-ઈરાન યુદ્ધ હવે ઘાતક વળાંક લઈ રહ્યું છે. શુક્રવારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ નજીક બીજા એક અમેરિકન ફાઇટર જેટ A-10 થન્ડરબૉલ્ટને તોડી પાડ્યું હતું. આ હુમલો ત્યારે થયો હતો જ્યારે અમેરિકા એના ગુમ થયેલા F-15 ફાઇટર જેટના ક્રૂ-સભ્યો માટે શોધ અને બચાવકામગીરી કરી રહ્યું હતું. એક અઠવાડિયામાં બીજી વખત ઈરાને અમેરિકન ઍરફોર્સના આધુનિક વિમાનને નિશાન બનાવ્યું છે. અગાઉ ઈરાને F-15 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જોકે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાના હુમલામાં ઈરાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

અમેરિકન અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે ઈરાની સૈન્યએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુમલા પછી પાઇલટ કુવૈતી હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવામાં અને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. વિમાન કુવૈત સરહદમાં ક્રૅશ થયું છે અને પાઇલટ સુરક્ષિત હોવાનું કહેવાય છે.

બ્લૅકહૉક હેલિકૉપ્ટરને નિશાન બનાવ્યું

ઈરાનનું આક્રમણ ફક્ત ફાઇટર જેટ સુધી મર્યાદિત નહોતું. બચાવકામગીરીમાં રોકાયેલાં બે UH-60 બ્લૅકહૉક હેલિકૉપ્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કેટલાક ક્રૂ-સભ્યોને નાની ઈજા થઈ હતી, પરંતુ બધા સત્તાવાર રીતે સુરક્ષિત હોવાનું જણાવાયું છે. અગાઉ તોડી પાડવામાં આવેલા F-15 જેટના બે ક્રૂ-સભ્યોમાંથી અત્યાર સુધી ફક્ત એકને જ બચાવી શકાયો છે.

ટ્રમ્પે કહ્યું કે આ યુદ્ધ છે

અમેરિકાનાં ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યાં પછી પહેલી પ્રતિક્રિયા આપતાં ડોનલ્ડ ટ્રમ્પે એને યુદ્ધની સ્થિતિ ગણાવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ ઘટનાઓ ઈરાન સાથે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો પર કોઈ અસર કરશે ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ‘ના, બિલકુલ નહીં. આ યુદ્ધ છે. અમે યુદ્ધમાં છીએ.’

ઈરાન કઈ રીતે અમેરિકાના ફાઇટર જેટને તોડી પાડી શકે છે?

ઈરાને છેલ્લા બે દિવસમાં બે અમેરિકન લશ્કરી વિમાનોને તોડી પાડ્યાં હતાં અને બે બ્લૅકહૉક હેલિકૉપ્ટર પર હુમલો કર્યો હતો. આમ ડોનલ્ડ ટ્રમ્પના ઈરાની આકાશ પર અમેરિકાના સંપૂર્ણ વર્ચસ્વના દાવાને તોડી પાડ્યો હતો. જોકે હવે સવાલ એ ઊભો થયો છે કે ઈરાન આવા અદ્યતન ફાઇટર જેટને કેવી રીતે નિશાન બનાવવામાં સફળ થાય છે? ઈરાને આ વિશે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ વિશ્લેષકો માને છે કે ઈરાન માજિદ ઇન્ફ્રારેડ ઍર ડિફેન્સ સિસ્ટમ અથવા શોલ્ડર-ફાયર મિસાઇલનો ઉપયોગ કરે છે, જે શોધવાનું મુશ્કેલ છે. ઈરાન દ્વારા તોડી પાડવામાં આવેલાં બે અમેરિકન ફાઇટર જેટ સંભવતઃ ઓછી ઊંચાઈએ ઊડતાં હતાં જેને કારણે એ સરળ લક્ષ્ય બન્યાં હતાં.

માજિદ ઍર ડિફેન્સ સિસ્ટમ સપાટીથી હવામાં પ્રહાર કરતું મિસાઇલ પ્લૅટફૉર્મ છે જેનો ઉપયોગ ઈરાને ૨૦૨૧માં શરૂ કર્યો હતો. એ ઓછી ઊંચાઈએ ઊડતાં વિમાનો સામે રક્ષણ માટે છે. એ રડાર પર આધાર રાખતી નથી, એને બદલે એ નિષ્ક્રિય ઇન્ફ્રારેડ ડિટેક્શનનો ઉપયોગ કરે છે. એ રડાર સિગ્નલ છોડતું નથી એથી મિસાઇલ છોડવામાં આવે એ પહેલાં વિમાન માટે એને શોધવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. એની રેન્જ ૮ કિલોમીટર સુધી અને ઊંચાઈ ૬ કિલોમીટર સુધીની છે. ઇન્ફ્રારેડ સેન્સર્સની રેન્જ ૧૫ કિલોમીટર સુધીની છે. એની ટ્રૅકિંગક્ષમતા ૩૦ કિલોમીટર સુધી વિસ્તરે છે. આનાથી એકસાથે અનેક લક્ષ્યોને એ શોધી શકે છે. માજિદ સિસ્ટમ ૮ રેડી-ટુ-ફાયર મિસાઇલ લઈ જઈ શકે છે. મિસાઇલો રડારને બદલે નિષ્ક્રિય ઇન્ફ્રારેડ માર્ગદર્શનનો ઉપયોગ કરતી હોવાથી એને શોધવું મુશ્કેલ બની જાય છે. આથી ઈરાન F-35 જેવા અત્યંત આધુનિક વિમાનને નિશાન બનાવી શક્યું હતું. ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી માજિદ સિસ્ટમે અનેક અમેરિકન અને ઇઝરાયલી ડ્રોનનો નાશ કર્યો હોવાનું માનવામાં આવે છે.

ઈરાનની વ્યૂહરચનામાં ફેરફાર

ગયા વર્ષે ૧૨ દિવસના ટૂંકા યુદ્ધ પછી ઈરાને એની વ્યૂહરચનામાં સૌથી મોટા ફેરફાર કર્યા હતા. ઈરાનના મોટા ભાગની ઍર ડિફેન્સ સિસ્ટમ હવે ભૂગર્ભ મિસાઇલ સિટી, ટનલ અને ખડકાળ દરિયાકાંઠાના ભૂપ્રદેશમાં છુપાયેલી છે. આટલા સંયુક્ત હુમલા પછી પણ ઈરાનના અડધાં મિસાઇલ લૉન્ચર હજી પણ અકબંધ છે. એવું લાગે છે કે ઈરાને ટનલમાં છુપાવેલા હજારો પ્રોજેક્ટાઇલ્સથી અમેરિકા અને ઇઝરાયલ અજાણ છે.

international news world news middle east crisis iran israel united states of america donald trump