09 March, 2026 09:58 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
અલી લારીજાની
ઈરાનના સિક્યૉરિટી ચીફ અલી લારીજાનીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યાની કિંમત અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચૂકવવી પડશે. અમે અમારા નેતા અને અમારા લોકોના લોહીનો બદલો અવિરતપણે લઈશું.’
સ્ટેટ ટીવી પરની એક મુલાકાતમાં લારીજાનીએ કહ્યું હતું કે ‘ઈરાન ટ્રમ્પને છોડશે નહીં. તેમણે જે કર્યું છે એની કિંમત તેમણે ચૂકવવી પડશે. તેમણે અમારા નેતાની હત્યા કરી અને અમારા ૧૦૦૦થી વધુ લોકોને શહીદ કર્યા. આ કોઈ સરળ બાબત નથી.’
ટ્રમ્પે ધમકીઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ લારીજાનીને ઓળખતા નથી. ધમકી પર પ્રતિક્રિયા આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘મને ખબર નથી કે તેઓ શું વાત કરી રહ્યા છે? તેઓ કોણ છે? મને કંઈ પડી નથી. તેઓ પહેલાં જ હારી ગયા છે.’
ટ્રમ્પે એ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે ઈરાન પર અમેરિકન હુમલાઓ ચાલુ રહેશે અને તેહરાને બચવા માટે બિનશરતી શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ.
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો એના પહેલા દિવસે મીનાબ શહેરમાં થયેલા હુમલામાં ૧૬૦ છોકરીઓનો ભોગ લેવાયો હતો, પણ હવે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ હુમલો ખુદ ઈરાને જ કર્યો હશે. મીડિયા સાથેની વાતચીતમાં ડોનલ્ડ ટ્રમ્પે મીનાબમાં ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલા માટે ઈરાનને દોષી ઠેરવતાં કહ્યું હતું કે મને લાગે છે કે આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો, કારણ કે એ બેફામ કોઈ સટીકતા વિના અંધાધૂધ કરી રહ્યું છે. ઈરાનથી જ ગરબડ થઈ હશે.’ આ હુમલા પછી ઈરાને પીડિતોની સામૂહિક દફનવિધિ દર્શાવતી તસવીરો જાહેર કરી હતી.