Israel Bus Blast : ઇઝરાયલમાં એક પછી એક બસોમાં થયા ધડાકા, આતંકવાદી હુમલાની આશંકા

22 February, 2025 07:19 AM IST  |  Israel | Gujarati Mid-day Online Correspondent

Israel Bus Blast: આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાયો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે કેટલાક બોમ્બને નિષ્ક્રિય કરી નાખ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

Israel Bus Blast: ઇઝરાયલમાં ગુરુવારે બે બસોમાં વિસ્ફોટ થયો હતો. કહે છે કે આ બસોને પાર્કિંગમાં મૂકવામાં આવી હતી, આ બસોમાં સ્ફોટ થયા બાદ આખું ઇઝરાયલ હચમચી ગયું છે. જોકે, આ વિસ્ફોટમાં કોઇનું મોત થયું નથી. ગાઝા યુદ્ધવિરામમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા કેદીઓની અદલાબદલી વચ્ચેની રકઝકમાં આ વિસ્ફોટો થયા હોવાની માહિતી મળી રહી છે.

બેન્જામિન નેતન્યાહુએ સુરક્ષા બેઠક બોલાવી – આતંકવાદી હુમલો હોવાની શંકા છે

આ બસોમાં થયેલાં એકાએક વિસ્ફોટ (Israel Bus Blast) બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સુરક્ષા બેઠક બોલાવી હતી. અત્યારે આ ઘટના થવાથી સ્થાનિક વહીવટીતંત્ર પણ ચિંતામાં મુકાયું છે. અત્યારે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાયો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે કેટલાક બોમ્બને નિષ્ક્રિય કરી નાખ્યા છે.

ડેપોમાં પાર્ક કરાયેલી આ બસો ખાલી હતી એટલે જાનહાનિ ટળી 

પહેલાં ઇઝરાયેલી પોલીસે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેલ અવિવની બહાર બનેલ આ ઘટનામાં બે ઇઝરાયેલી ઉપનગરોમાં ત્રણ બસો પર વિસ્ફોટ થયા છે, અને ચાર વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યા હતા. જ્યારે સ્થાનિક મીડિયાએ અહેવાલમાં જણાવ્યું હતું કે આ જે વિસ્ફોટો થયા હતા તે ડેપોમાં પાર્ક કરેલી ખાલી બસો પર થયા હતા.

જોકે, આ વિસ્ફોટોના ખબર બાદ ઇઝરાયેલમાં (Israel Bus Blast) જ થયેલા વિનાશક બસ બોમ્બ ધડાકા યાદ આવી જાય. પોલીસે જણાવ્યું હતું કે તેઓની શંકમંદોની શોધખોળ કરી રહી છે. આ સાથે જ અન્ય બસોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અત્યારે તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકોને સતર્ક રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.

સરગ્રોફે આ વિસ્ફોટકોને વેસ્ટ બેંકમાં સામાન્ય રીતે જોવા મળતા વિસ્ફોટકો સાથે સરખાવ્યા હતા. બેટ યામના મેયર ત્ઝવિકા બ્રોટે જણાવ્યું હતું કે તે એક મોટો વિસ્ફોટ હતો પરંતુ સદભાગ્યે કોઈ ઘાયલ થયું ન હતું કારણ કે વિસ્ફોટ સમયે બસો ખાલી હતી અને પાર્કિંગમાં પડી હતી.

ભયાવહ તસવીરો આવી સામે

વડાપ્રધાન નેતન્યાહુએ આ વિસ્ફોટની દુર્ઘટના (Israel Bus Blast) બાદ સંરક્ષણ મંત્રી, સૈન્યના વડા અને શિન બેટ તેમજ પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી. સ્થાનિક મીડિયા દ્વારા આ અંગેનો એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે. કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં વિસ્ફોટ બાદ રાખ થઈ ગયેલી બસ જોઇ શકાય છે.

ત્યાંના સૈન્યએ જણાવ્યું હતું કે તે વેસ્ટ બેંકમાં આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર કરવામાં આવશે. સૈન્ય દ્વારા છેલ્લા એક મહિનાથી અહીં મોટા પાયે સુરક્ષા કામગીરી ચલાવવામાં આવી રહી છે. આતંકવાદીઓને નિશાન બનાવાઇ રહ્યાં છે.

international news world news benjamin netanyahu israel gaza strip hamas terror attack