૪૮ કલાકની ઇઝરાયલની વિઝિટમાં લાજવાબ દોસ્તી અને ડિફેન્સ, UPI અને ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટના કરારો

27 February, 2026 09:57 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

આપણું UPI હવે ઇઝરાયલમાં ચાલશે, બન્ને દેશો વચ્ચે અનેક મુદ્દે વેપાર-કરારો અંતિમ તબક્કામાં

દ્વિપક્ષીય વેપાર-વાર્તાલાપ પછી સંયુક્ત પ્રેસ-મીટિંગમાં નરેન્દ્ર મોદી અને નેતન્યાહુ. જેરુસલેમના હોલોકૉસ્ટ મેમોરિયલમાં ૬૦ લાખ યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપી રહેલા નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઇઝરાયલની વિઝિટનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. બે દિવસ દરમ્યાન બે દેશો વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટને લઈને વેપાર-વાટાઘાટો અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આ ઉપરાંત ડિફેન્સ અને ટેક્નૉલૉજીની લેવડદેવડ પણ સામેલ છે. ગઈ કાલે સૌથી પહેલાં નરેન્દ્ર મોદી જેરુસલેમના હોલોકૉસ્ટ મેમોરિયલ ‘યાદ વાશેમ’ પહોંચ્યા હતા. અહીં તેમણે હિટલરના નાઝી શાસનમાં માર્યા ગયેલા ૬૦ લાખ યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. એ પછી તેઓ ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગને મળ્યા હતા. ઇસાક હર્ઝોગે કહ્યું હતું કે ભારતની તેજીથી વધતી ઇકૉનૉમી વિશ્વભરના દેશોનું ધ્યાન ખેંચી રહી છે. 

નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ દ્વિપક્ષીય મીટિંગ કરી હતી. એ પછી જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરસ યોજી હતી. એમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભારતની UPI પેમેન્ટ સિસ્ટમ હવે ઇઝરાયલમાં પણ ચાલશે. 

ગઈ કાલે ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધન કર્યા પછી નરેન્દ્ર મોદીને સંસદનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’ આપવામાં આવ્યો હતો. ઇઝરાયલની સંસદને સંબોધન કરનારા નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડા પ્રધાન બન્યા હતા. 

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારત અને ઇઝરાયલની વચ્ચે બહુ જલદીથી ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ થશે જે બન્ને દેશો માટે ફાયદામંદ છે. ભારત અને ઇઝરાયલ છે ડિફેન્સ પાર્ટનર. ગયા વર્ષે થયેલા ડિફેન્સ-કરારો પછી હવે બન્ને દેશો મળીને આ ક્ષેત્રમાં રિસર્ચ કરશે. બન્ને દેશો નવી ટેક્નૉલૉજી વિકસિત કરશે અને હથિયારોનું સંયુક્ત ઉત્પાદન વધારશે. હવે ભારતનું UPI ઇઝરાયલમાં પણ કામ કરશે.’

નેતન્યાહુનું મોદી જૅકેટ અને તેમનાં પત્નીનો ભગવો ડ્રેસ

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ મોદી જૅકેટ પહેરીને ઑફિશ્યલ ડિનરમાં સામેલ થયા હતા. બુધવારે નરેન્દ્ર મોદીને ઍરપોર્ટ પર રિસીવ કરવા ગયા ત્યારે પોતાની પત્નીના ડ્રેસના ભગવા રંગને દેખાડી રહેલા નેતન્યાહુ.

ઇઝરાયલ જવું ગૌરવની વાત છે અને નેતન્યાહુ ભાઈ જેવા છે એવું કહેનારા નરેન્દ્ર મોદીને સામેથી પણ એટલો જ હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. ઍરપોર્ટ પર રિસીવ કરવા જતી વખતે નેતન્યાહુનાં પત્ની અને નરેન્દ્ર મોદીની હળવી વાતચીત દરમ્યાન ઇઝરાયલના વડા પ્રધાને તેમનું એક વાતે ધ્યાન દોર્યું હતું. નરેન્દ્ર મોદીના ખિસ્સામાં જે ભગવા રંગનો રૂમાલ હતો એ જ શેડ સાથે મૅચ થતો ડ્રેસ તેમની પત્નીએ પહેર્યો હતો. આ વાતે ધ્યાન દોરતાં ત્રણેય ખડખડાટ હસી પડ્યા હતા. એ પછી પણ નેતન્યાહુની ભારતીય સંસ્કૃતિને અપનાવવાની પહેલ ઊડીને આંખે વળગે એવી રહી. સાંજે ડિનર ડિપ્લોમસી વખતે નેતન્યાહુ મોદી જૅકેટ પહેરીને આવ્યા હતા અને પૂછ્યું હતું કે ‘ભારતીય અટાયરમાં કેવો લાગું છું?’ ત્યારે નરેન્દ્ર મોદીએ તેમને શાનદાર કહ્યું હતું. 

ટેક્નૉલૉજીની દુનિયાનાં અવનવાં ઇનોવેશન્સ જોયાં જેરુસલેમમાં

નરેન્દ્ર મોદીએ સાઇબર સિક્યૉરિટી અને ડિફેન્સ ટેક્નૉલૉજીને લઈને અનેક ઇનોવેશન્સ ઇઝરાયલમાં જોયાં હતાં અને એમાંથી કેટલીક તસવીરો તેમણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ કરી હતી. અહીં તેમણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સાઇબર સિક્યૉરિટી, ક્વૉન્ટમ કમ્પ્યુટરિંગ, ઍગ્રિકલ્ચરલ ટેક્નૉલૉજી અને વૉટર મૅનેજમેન્ટ સાથે સંકળાયેલી ટેક્નૉલૉજીનું જ્યાં પ્રદર્શન થાય છે એ એક્ઝિબિશન જોયું હતું. ઇઝરાયલ લાંબા સમયથી ટેક્નૉલૉજી અને સ્ટાર્ટઅપ માટે જાણીતું છે.

international news world news israel indian government benjamin netanyahu technology news narendra modi