ઇઝરાયલે અમેરિકા-ઈરાનના શાંતિકરાર ઠુકરાવી દીધા, કહ્યું કે બીજા દેશ અમારી નીતિ નક્કી નહીં કરે

16 June, 2026 08:38 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલી દળો હાલમાં લેબૅનન પ્રદેશમાં રાખવામાં આવેલાં સ્થાનોમાંથી પાછા નહીં હટે અને હિઝબુલ્લાનાં જોખમોનો સામનો કરવા માટે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે.’

પ્રતીકાત્મક તસવીર (એઆઈ)

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિકરાર પર પ્રતિક્રિયા આપતાં ઇઝરાયલે કહ્યું હતું કે આ કરાર માનવા અમારા માટે કમ્પલ્સરી નથી. આ મુદ્દે ઇઝરાયલના સંરક્ષણપ્રધાન ઇટામાર બેન-ગ્વિરે કહ્યું હતું કે ‘અમેરિકા અને ઈરાન વચ્ચેનો કોઈ પણ સોદો ઇઝરાયલ માટે બંધનકર્તા રહેશે નહીં. અમારો દેશ આ શાંતિકરારને માનવા માટે બાધ્ય નથી, કારણ કે ઇઝરાયલ એનો હિસ્સો નથી. ઇઝરાયલ એક સાર્વભોમ રાષ્ટ્ર છે અને અમારી સુરક્ષા અને નીતિઓનો નિર્ણય બીજો કોઈ દેશ કરશે નહીં.’

વૉશિંગ્ટન અને તેહરાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરીથી ખોલવા અને અઠવાડિયાના સંઘર્ષ પછી નાજુક યુદ્ધવિરામને લંબાવવાના ઉદ્દેશ સાથે પ્રારંભિક સમજૂતી પર પહોંચ્યાં એ પછી તેમની ટિપ્પણી આવી હતી. આ ટિપ્પણીઓ સૂચવે છે કે ઇઝરાયલી સરકાર લેબૅનન સંબંધિત કોઈ પણ જોગવાઈઓથી બંધાયેલી રહેવા તૈયાર નથી જે અમેરિકા-ઈરાન કરારમાંથી બહાર આવી શકે છે.
બીજી તરફ જાણવા મળે છે કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને જાણ કરી હતી કે ‘ઇઝરાયલ વૉશિંગ્ટન-તેહરાન કરારમાં સમાવિષ્ટ લેબૅનન સંબંધિત સમજૂતીઓથી પોતાને બંધાયેલું માનતું નથી. ઇઝરાયલી દળો હાલમાં લેબૅનન પ્રદેશમાં રાખવામાં આવેલાં સ્થાનોમાંથી પાછા નહીં હટે અને હિઝબુલ્લાનાં જોખમોનો સામનો કરવા માટે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે.’

હોર્મુઝ સ્ટ્રેટમાં ૧૦૭ દિવસથી ભયના ઓથાર હેઠળ જીવે છે ૫૬૨ ભારતીય ખલાસીઓ, એક જણનું મોત

ભારતીય ધ્વજ ધરાવતાં ૧૩ જહાજો પર આશરે ૫૬૨ ભારતીય ખલાસીઓ છેલ્લા ૧૦૭ દિવસથી હોર્મુઝ સ્ટ્રેટમાં ભય અને અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે. શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર ૩૨૯ ભારતીય ખલાસીઓ હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમમાં ફસાયેલા છે, જ્યારે ૨૩૩ ઓમાનના અખાતમાં (હોર્મુઝ સ્ટ્રેટની પૂર્વમાં) ફસાયેલા છે.

બીજી તરફ MT સેલેસ્ટિયલ જહાજ પર તબીબી કારણોસર મૃત્યુ પામેલા ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનનો મૃતદેહ ટૂંક સમયમાં ભારત પાછો લાવવામાં આવી શકે છે. મૃતદેહ હાલમાં ઓમાનના દુક્મ બંદર પર MT સેલેસ્ટિયલ જહાજમાં છે. ઓમાનના મસ્કતસ્થિત ભારતીય દૂતાવાસે રવિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ નિશાંત ઉર્થનાથનનો પરિવાર જહાજના ક્રૂ સભ્યો અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને તેનો મૃતદેહ શક્ય એટલી વહેલી તકે સ્વદેશ પાછો લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ૫૬૨ ભારતીય ખલાસીઓ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને ઓમાનની ખાડીમાં ફસાયેલા છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભય અને અનિશ્ચિતતાના વાતાવરણમાં જીવવા માટે મજબૂર છે.   

ટ્રમ્પની ૮૦મી વર્ષગાંઠ પર વાઇટ હાઉસમાં ૫૬૭ કરોડ રૂપિયાના ખર્ચે થઈ કેજ ફાઇટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે વાઇટ હાઉસના સાઉથ લૉનમાં અલ્ટીમેટ ફાઇટિંગ ચૅમ્પિયનશિપ (UFC) યોજાઈ હતી. આ ફાઇટ માટે સાઉથ લૉનમાં દોઢ મહિનાથી તૈયારીઓ થઈ રહી હતી અને આ જગ્યાને વિશાળ ફાઇટિંગ અરીનામાં તબદીલ કરી દેવામાં આવી હતી. રવિવારે ૧૪ જૂને સાંજે વરસાદ પડવાથી કાર્યક્રમ થોડો મોડેથી શરૂ થયો હતો. જોકે એ પછી ‘ધ ક્લૉ’ નામની ફાઇટિંગ કેજમાં UFCની મૅચ શરૂ થઈ હતી. ટ્રમ્પે ફ્રન્ટ રૉમાં બેસીને આ મૅચ નિહાળી હતી. રાષ્ટ્રપતિના જન્મદિવસની ઉજવણી માટેના આ કાર્યક્રમમાં ૬ કરોડ ડૉલર એટલે કે લગભગ ૫૬૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં અમેરિકન નેવીએ સ્પેશ્યલ ફ્લાયપાસ્ટ કર્યું હતું. એ દરમ્યાન ટ્રમ્પ સૅલ્યુટ કરતા દેખાયા હતા. એ પછી UFCની મૅચ જોવા માટે ટ્રમ્પનો પરિવાર અને વાઇટ હાઉસના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

international news world news united states of america iran israel middle east crisis hormuz strait