05 March, 2026 11:04 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલ કાત્ઝે
ઇઝરાયલે ઈરાનના નવા સુપ્રીમ લીડરને ખતમ કરવાની ધમકી આપી છે. આ મુદ્દે ઇઝરાયલના સંરક્ષણપ્રધાન ઇઝરાયલ કાત્ઝે ગઈ કાલે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઈરાન દેશના આગામી સુપ્રીમ લીડર તરીકે જેને પણ પસંદ કરશે તેને ખતમ કરવામાં આવશે. ઈરાની શાસન દ્વારા ઇઝરાયલ, અમેરિકા અને પ્રદેશના અન્ય દેશોને નષ્ટ કરવાની ધમકીઓ સહન કરવામાં આવશે નહીં. ઈરાની લોકોને દબાવવાની યોજના ચાલુ રાખવા અને એનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરાયેલો કોઈ પણ નેતા ઇઝરાયલનું નિશાન બનશે. તેનું નામ શું છે અથવા તે ક્યાં છુપાયેલો છે એનાથી કોઈ ફરક પડતો નથી.’
અમેરિકા સાથેની સંયુક્ત કાર્યવાહીમાં ઇઝરાયલે શનિવારે ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં દેશના ૮૬ વર્ષના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈની હત્યા કરવામાં આવી હતી. આ પછી ઈરાન નવા સુપ્રીમ લીડરની પસંદગીની પ્રક્રિયામાં છે. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આયાતોલ્લા ખામેનેઈના પુત્ર મોજતબા હોસેની ખામેનેઈને ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવશે.