17 May, 2026 10:58 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે કહ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)ના વૈશ્વિક સ્તરના સેકન્ડ-ઇન-કમાન્ડ અબુ-બિલાલ અલ-મિનુકીને અમેરિકન અને નાઇજીરિયન સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા જૉઇન્ટ ઑપરેશનમાં ઠાર કરવામાં આવ્યો હતો. નાઇજીરિયાના પ્રેસિડન્ટ બોલા અહમદ ટીનુબુએ આ હુમલાને આતંકવાદ સામેની લડાઈમાં અસરકારક સહયોગનું એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ ગણાવ્યું હતું.
આ સંદર્ભમાં ડોનલ્ડ ટ્રમ્પે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘મારા નિર્દેશ પર બહાદુર અમેરિકન દળો અને નાઇજીરિયાનાં સશસ્ત્ર દળોએ વિશ્વના સૌથી સક્રિય આતંકવાદીને યુદ્ધના મેદાનમાંથી ખતમ કરવા માટે કાળજીપૂર્વક આયોજનબદ્ધ અને ખૂબ જ જટિલ મિશનને સફળ રીતે પાર પાડ્યું હતું. વૈશ્વિક સ્તરે ISISના બીજા ક્રમના નેતા અબુ-બિલાલ અલ-મિનુકીને લાગ્યું કે તે આફ્રિકામાં છુપાઈ શકે છે, પરંતુ તેને ખબર નહોતી કે અમારી પાસે એવા સ્રોત છે જે અમને તે શું કરી રહ્યો છે એની માહિતી આપતા હતા.’