બંગલાદેશમાં હજી એક હિન્દુએ જીવ ગુમાવ્યો

04 January, 2026 10:46 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

ટોળાએ ચાકુ મારીને સળગાવી દીધા પછી ખોકોન દાસ જીવ બચાવવા તળાવમાં કૂદી ગયા હતા, પણ બચી ન શક્યા

ખોકોન દાસ

બંગલાદેશમાં લઘુમતીઓ પરના હુમલા વધતા જાય છે અને હવે શરિયતપુરમાં ૫૦ વર્ષના હિન્દુ વેપારી ખોકોન દાસની હત્યા કરવામાં આવી છે. ટોળાએ તેમના પર ચાકુથી હુમલો કર્યો હતો 
અને પછી પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી.

આ સંદર્ભમાં સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ૩૧ ડિસેમ્બરે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના કનોઇર યુનિયન હેઠળના શરિયતપુર જિલ્લાના તિલોઇ ગામમાં બની હતી. છેલ્લાં બે અઠવાડિયાંમાં હિન્દુ પર આ પ્રકારનો ચોથો હુમલો નોંધાયો છે. દવાની નાની દુકાનના માલિક ખોકોન દાસ દુકાન બંધ કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના પર ટોળાએ હુમલો કર્યો હતો. તેમને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા અને પછી પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યા હતા. ખોકોન દાસે આગથી બચવા માટે નજીકના તળાવમાં કૂદકો મારી દીધો હતો, પણ ઈજાઓને કારણે તેમની હાલત બગડતાં ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

તેમની પત્નીએ કહ્યું હતું કે ‘મને ખબર નથી કે આ કોણે કર્યું. અમને ન્યાયની જરૂર છે. મારા પતિ સરળ માણસ હતા. તેમણે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી.’

international news world news bangladesh Crime News