20 October, 2026 04:46 PM IST | Hawaii | Gujarati Mid-day Correspondent
હવાઈના કિલાઉઆ જ્વાળામુખીમાં વિસ્ફોટ
હવાઈ ટાપુ પર આવેલા વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખી કિલાઉઆમાં ફરી એક વાર ભયંકર વિસ્ફોટ થયો છે. જ્વાળામુખી ફાટતાં આકાશમાં ૭૨૦ ફુટ ઊંચા લાવાના જબરદસ્ત ફુવારા ઊડતા જોવા મળ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે (USGS)ની હવાઈ વૉલ્કેનો ઑબ્ઝર્વેટરીના અહેવાલ મુજબ ૧૭ ઑક્ટોબરે સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે ૩ વાગ્યે હવાઈ વૉલ્કેનોઝ નૅશનલ પાર્કમાં આવેલા હાલેમાઉમાઉ ક્રેટરના ઉત્તર વેન્ટમાં આ વિસ્ફોટ શરૂ થયો હતો.
સવારે પાંચ વાગ્યાની આસપાસ લાવાના ફુવારાઓ ૨૨૦ મીટરની મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા હતા અને સવારે ૯ વાગ્યા સુધીમાં આ વિસ્ફોટ શાંત પડ્યો હતો. વૈજ્ઞાનિકોના પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટના દરમ્યાન આશરે ૭૦ લાખ ઘન મીટર જેટલો લાવા બહાર ફેંકાયો હતો. પૅસિફિક મહાસાગરની નીચે આવેલા એક ભૌગોલિક હૉટ-સ્પૉટ પર આવેલો હોવાને કારણે કિલાઉઆ જ્વાળામુખી અત્યંત સક્રિય માનવામાં આવે છે.
પચીસ ઑગસ્ટે પણ થયો હતો વિસ્ફોટ
પૃથ્વીના પેટાળમાંથી ઉપર આવતો અત્યંત ગરમ લાવા અને ગૅસ અહીં સતત બહાર નીકળતા રહે છે જેને કારણે વારંવાર આવા વિસ્ફોટ થાય છે. હાલમાં જ્વાળામુખીની આસપાસના મર્યાદિત વિસ્તારમાં જ આ લાવા ફેલાયો છે, પરંતુ ખતરનાક વાયુઓ અને અસ્થિર જમીનને કારણે અહીં ગમે ત્યારે મોટો ખતરો સર્જાઈ શકે છે. અગાઉ પચીસ ઑગસ્ટે પણ અહીં મોટો વિસ્ફોટ થયો હતો. હાલમાં વૈજ્ઞાનિકો આ જ્વાળામુખીની તમામ હિલચાલ અને ગૅસ વિશે અત્યંત ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે જેથી ભવિષ્યના ખતરાને ટાળી શકાય.