તાલિબાનોમાં અંદરોઅંદર ખૂની ઘર્ષણ

22 September, 2021 10:29 AM IST  |  Kabul | Agency

બ્રિટિશ મૅગેઝિન કહે છે, સુપ્રીમ લીડર અખુંદઝાદાની હત્યા થઈ અને મુલ્લા બરાદરને બંધક બનાવાયો

તાલિબાનનો સર્વેસર્વા ​હિબતુલ્લાહ અખુંદજાદા અને નાયબ વડા પ્રધાન મુલ્લા બરાદર

અફઘાનિસ્તાનમાં સત્તા માટેની આંતરિક લડાઈએ તાલિબાનોને મોટો આંચકો આપ્યો છે. બ્રિટનના એક મૅગેઝિને કરેલા દાવા મુજબ સત્તાની આ લડાઈમાં તાલિબાનનો સર્વેસર્વા ​હિબતુલ્લાહ અખુંદઝાદાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે અને નાયબ વડા પ્રધાન મુલ્લા બરાદરને બંધક બનાવવામાં આવ્યો છે. સત્તા માટેનો આ ખૂની સંઘર્ષ તાલિબાનનાં બે જૂથો વચ્ચે થયો હોવાનું જણાવાયું છે. મૅગેઝિનના જણાવ્યા પ્રમાણે હક્કાની જૂથ સાથે થયેલા આ ઝઘડામાં સૌથી વધુ નુકસાન મુલ્લા બરાદરને જ થયું છે. 
બ્રિટિશ મૅગેઝિને રિપોર્ટમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં તાલિબાનોનાં બન્ને જૂથો વચ્ચે એક બેઠક થઈ હતી. દરમ્યાન હક્કાની નેતા ખલીલ-ઉલ રહમાન હક્કાની પોતાની ખુરશી પરથી ઊઠ્યો હતો અને તેણે બરાદરને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. બરાદર તાલિબાન સરકારની કૅબિનેટમાં તાલિબાન ન હોય એવા અને અલ્પસંખ્યકોને પણ સ્થાન આપવા માટે દબાણ કરી રહ્યો હતો કે જેથી દુનિયાના અન્ય દેશો તાલિબાન સરકારને માન્યતા આપે.
આ લડાઈ બાદ બરાદર કેટલાક દિવસોથી ગુમ હતો. ફરી વાર તે કંદહારમાં દેખાયો હતો. રિપોર્ટ મુજબ બરાદરે આદિવાસી નેતાઓની મુલાકાત લીધી હતી, જેનું સમર્થન પણ એને મળ્યું. જોકે એના પર દબાણ કરીને આવો વિડિયો બનાવવામાં આવ્યો છે. આ વિડિયોથી એવો મેસેજ મળે છે કે એને બંધક બનાવી દેવાયો છે. અખુંદઝાદા વિશે હજી સુધી કોઈ રિપોર્ટ નથી મળ્યો. તે ઘણા સમયથી જાહેરમાં દેખાયો નથી. એથી એવું માનવામાં આવી રહ્યું છું કે તેની હત્યા કરવામાં આવી છે. તાલિબાનોમાં અગાઉ ક્યારેય સત્તા માટે આવો સંઘર્ષ દેખાયો નહોતો.

international news kabul afghanistan taliban