જાણો કોણ છે પરાગ અગ્રવાલઃ મૂળ મુંબઇના પરાગ અગ્રવાલ બન્યા ટ્વિટરના સીઇઓ

30 November, 2021 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોર્સીએ સોમવારે સાંજે રાજીનામું આપ્યું અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી ચીફ ટેકનિકલ ઓફિસર અગ્રવાલને CEO તરીકે નિયુક્ત કર્યા

પરાગ અગ્રવાલ - તસવીર એએફપી

IIT-Bombay ના સ્નાતક પરાગ અગ્રવાલે Twitter ના નવા CEO તરીકે જેક ડોર્સીની જગ્યા લીધી છે. ડોર્સીએ સોમવારે સાંજે રાજીનામું આપ્યું અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી ચીફ ટેકનિકલ ઓફિસર અગ્રવાલને CEO તરીકે નિયુક્ત કર્યા. 37 વર્ષીય પરાગ કંપનીમાં ચીફ ટેક્નોલોજી ઓફિસરના હોદ્દા પર હતા. તેઓ 10 વર્ષ પહેલાં કંપનીમાં જોડાયા હતા.પરાગ હવે વિશ્વની ટોપ 500 કંપનીના સૌથી યુવા CEO બની ગયા છે. 1984માં જન્મેલા પરાગ અગ્રવાલનો જન્મ મુંબઈમાં થયો હતો. પરાગના અભ્યાસની વાત કરીએ તો પરાગે પ્રાથમિક શિક્ષણ Central School માં મેળવ્યું હતું. તેણે IIT બોમ્બેમાંથી એન્જિનિયરિંગ કર્યા પછી તેમણે કેલિફોર્નિયા, યુએસએમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (Stanford University)માં કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કર્યું છે.

તેઓ ઑક્ટોબર 2011માં ટ્વિટરમાં એડવર્ટાઇઝિંગ એન્જિનિયર તરીકે જોડાયા હતા અને ત્યાર બાદ તરત જ કંપનીના `પ્રતિષ્ઠિત સોફ્ટવેર એન્જિનિયર`નું બિરુદ ધારણ કર્યું હતું. ટ્વિટરે 2017માં પરાગ અગ્રવાલને તેના ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે તેઓ કંપનીમાં જોડાયા ત્યારે કર્મચારીઓની સંખ્યા 1000 કરતાં ઓછી હતી. ટ્વિટર જોઇન કરતાં પહેલાં પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં ઇન્ટર્નશીપ કરી હતી. ટ્વિટરના CEO તરીકે નિયુક્ત થયા બાદ પરાગ અગ્રવાલે ટ્વિટર પર જેક ડોર્સીનો આભાર વ્યક્ત કર્યો.

 

પરાગ અગ્રવાલ ટ્વિટરના બ્લૂસ્કી પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેનો હેતુ સોશિયલ મીડિયા માટે એક ઓપન અને વિકેન્દ્રિત ધોરણ બનાવવાનો છે. CTO તરીકે પરાગ ટ્વિટરની ટેક્નોલોજી વ્યૂહરચના અને ગ્રાહક આવક તથા વિજ્ઞાન ટીમોમાં મશીન લર્નિંગ અને AIની દેખરેખ માટે જવાબદાર હતા. હિન્દુસ્તાન ટાઇમ્સે PeopleAIના હવાલેથી પરાગ અગ્રવાલની અંદાજિત નેટવર્થ 1.52 મિલિયન એટલે કે 11,41,91,596 રૂપિયા જણાવી છે. 

પરાગની પત્ની વિનીતા અગ્રવાલની ટ્વિટર પ્રોફાઇલ મુજબ, તે સ્ટેનફોર્ડ સ્કૂલ ઑફ મેડિસિનમાં ફિઝિશિયન અને સહાયક ક્લિનિકલ પ્રોફેસર છે. આ પહેલા વિનીતા ફ્લેટિરોન હેલ્થમાં ડાયરેક્ટર ઓફ પ્રોડક્ટ મેનેજમેન્ટ તરીકે કામ કરતી હતી. વિનીતા બિગ હૅટ બાયોસાયન્સ સાથે પણ કામ કરે છે. તેમણે અત્યાર સુધી મેડિકલ અને ટેકનિકલ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે.

washington twitter international news