28 September, 2026 09:17 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
ન્યુ જર્સીમાં હજારો ઘરોમાં પાણી ભરાઈ જતાં સામાન બચાવતા લોકો.
અમેરિકાના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા નોરઈસ્ટર નામના ભયાનક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અમેરિકાની નૅશનલ વેધર સર્વિસ (NWS) દ્વારા જાહેર કરાયેલી ચેતવણી મુજબ શનિવારે ન્યુ યૉર્ક અને બૉસ્ટન સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ સાથે દરિયાકાંઠે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂર અને ભારે વરસાદને કારણે ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. ૧.૬૦ લાખથી વધુ ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને ૨૪૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જ્યારે ૧૧૯૯ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
પૂનમના કારણે ભરતી હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની હતી. ન્યુ જર્સીના સર્ફ સિટી અને મનાસ્ક્વાન જેવા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ૮૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે લગભગ ૪ કરોડ લોકોનું જનજીવન ખોરવાયું હતુ. ખરાબ હવામાનને કારણે બૉસ્ટનમાં યોજાનારી રેડ સૉક્સ અને શિકાગો કબ્સ વચ્ચેની બેઝબૉલ મૅચ તેમ જ સેન્ટ લુઇસ સિટી સામેની ફુટબૉલ મૅચ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત એડ શીરનની કૉન્સર્ટ અને સેન્ટ્રલ પાર્કમાં યોજાનારો ગ્લોબલ સિટિઝન ફેસ્ટિવલ પણ રદ કરવામાં આવ્યો છે.