01 July, 2026 02:38 PM IST | Netherlands | Gujarati Mid-day Correspondent
ઍમસ્ટરડૅમમાં ચમકતી વીજળી.
યુરોપમાં ચાલી રહેલી ભયાનક હીટવેવ વચ્ચે નેધરલૅન્ડ્સમાં એક અભૂતપૂર્વ અને અસાધારણ કુદરતી નજારો જોવા મળ્યો છે. પાટનગર અૅમ્સ્ટરડૅમ સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ સાથે પ્રચંડ વાવાઝોડું ત્રાટક્યું હતું. નેધરલૅન્ડ્સના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં ૨૪ કલાકની અંદર ૩,૦૦,૦૦૦થી વધુ વખત વીજળીના ચમકારા નોંધાયા હતા. વાવાઝોડાના પીક સમયે માત્ર ૩૦ મિનિટમાં નેધરલૅન્ડ્સ અને ઉત્તરી જર્મનીમાં અંદાજે ૩૦,૦૦૦ વીજળી પડી હતી, એટલે કે પ્રતિ સેકન્ડ ૧૭ ચમકારા થયા હતા.
અહીં એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી તાપમાન ત્રીસથી ૪૦ ડિગ્રી સેલ્સિયસની નજીક રહ્યા બાદ અચાનક ઠંડી હવાના પ્રવેશથી આ વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી. આ તોફાનથી મોટું નુકસાન પણ થયું છે. વીજળી પડવાને કારણે અનેક સ્થળોએ આગ ફાટી નીકળી હતી. અનેક વિસ્તારોમાં ગૉલ્ફના બોલ જેવડા મોટા કરા પડ્યા હતા. વૈજ્ઞાનિકો આ અસાધારણ ઘટનાને માનવસર્જિત ક્લાઇમેટ-ચેન્જ સાથે જોડી રહ્યા છે, કારણ કે ગરમ વાતાવરણ વધુ ભેજ અને ઊર્જા સંગ્રહિત કરે છે જે આવા પ્રચંડ તોફાનોને ઉત્તેજન આપે છે.