લૉસ ઍન્જલસમાં દાવાનળનો અભૂતપૂર્વ પ્રકોપ

10 January, 2025 07:02 AM IST  |  california | Gujarati Mid-day Correspondent

ઑસ્કર નૉમિનેશનના વોટિંગની ડેડલાઇન પણ હવે ૧૨ જાન્યુઆરીને બદલે ૧૪ જાન્યુઆરી કરી દેવામાં આવી છે.

વિકરાળ વાઇલ્ડફાયર

અમેરિકાના લૉસ ઍન્જલસમાં અત્યંત વિકરાળ રૂપ ધારણ કરનાર દાવાનળે ૭૦૦૦ હેક્ટર જંગલનો નાશ કર્યો છે; કમસે કમ પાંચ જણના જીવ લીધા છે; લોકોનાં ઘર, ઑફિસો, ધર્મસ્થાનો અને સ્કૂલો મળીને ૧૦૦૦થી વધુ બિલ્ડિંગોને ખાખ કરી નાખ્યાં છે તથા દોઢ લાખ લોકોને પોતાનું ઘર છોડવા મજબૂર કર્યા છે. આ આગ હવે હૉલીવુડ હિલ્સમાં પણ પહોંચી ગઈ છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં લૉસ ઍન્જલસની બહારની બાજુએ લાગેલી આગ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને લીધે ઝડપથી સબર્બ્સમાં અને પાડોશના વિસ્તારમાં પણ ફેલાઈ હતી. લૉસ ઍન્જલસ પોલીસ ચીફ જિમ મૅકડૉનેલે કહ્યું હતું કે આટલા તીવ્ર પવનથી પ્રસરતી આવી વિકરાળ આગ મેં જીવનમાં ક્યારેય નથી જોઈ.

હૉલીવુડના ઍક્ટરો લેઇટન મીસ્ટર, ઍડમ બ્રૉડી, બિલી ક્રિસ્ટલનાં ઘરો આગમાં ભસ્મીભૂત થઈ ગયાં હતાં. ઍક્ટર અને સિંગર પૅરિસ હિલ્ટનનું માલીબુનું ઘર પણ બળીને ખાખ થઈ ગયું હતું અને તેણે ટીવી-ન્યુઝમાં એ લાઇવ જોયું હતું. સિંગર મૅન્ડી મૂરે પણ આગમાં ઘર ગુમાવ્યું હતું.

૯૭મા ઑસ્કર અવૉર્ડ્સનાં નૉમિનેશન્સ અગાઉ ૧૭ જાન્યુઆરીએ જાહેર થવાનાં હતાં એને બદલે હવે ૧૯ જાન્યુઆરીએ થશે. ઑસ્કર નૉમિનેશનના વોટિંગની ડેડલાઇન પણ હવે ૧૨ જાન્યુઆરીને બદલે ૧૪ જાન્યુઆરી કરી દેવામાં આવી છે.

લૉસ ઍન્જલસના દાવાનળમાં કમસે કમ પાંચ વ્યક્તિઓનાં મોત, ૧૦૦૦થી પણ વધારે બિલ્ડિંગો ખાખ, અનેક સેલિબ્રિટીઝનાં ઘર ભસ્મીભૂત, ૫૭ અબજ ડૉલરનું નુકસાન

બાઇડનના દીકરાનું ઘર : પહેલાં અને પછી

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનના દીકરા હન્ટર બાઇડનનું માલીબુમાં આવેલું ઘર બળીને રાખ થઈ ગયું હતું.

નોરા ફતેહી લૉસ ઍન્જલસમાં હતી

બૉલીવુડની ઍક્ટ્રેસ નોરા ફતેહી વાઇલ્ડફાયરના પ્રકોપ વખતે લૉસ ઍન્જલસમાં હતી. તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મેં આવું ક્યારેય નથી જોયું. અમે જ્યાં છીએ ત્યાંથી પાંચ મિનિટ પહેલાં નીકળી જવાનું કહેવામાં આવ્યું છે. મેં ફટાફટ પૅકિંગ કર્યું છે અને ઍરપોર્ટની નજીક જઈને રહીશ જ્યાંથી મારે ફ્લાઇટ પકડવાની છે. આશા રાખું છું કે એ કૅન્સલ ન થાય.’
ત્યાર બાદ નોરાએ પોતે ફ્લાઇટમાં બેઠી હોય એવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો અને લખ્યું હતું કે હું ત્યાંથી નીકળવામાં સફળ થઈ છું, આશા રાખું છું કે બધા સેફ હોય.

 

international news world news california los angeles fire incident hollywood news nora fatehi