વધુ એક LPG ટૅન્કર ગ્રીન સાન્વીએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી, સોમવારે મુંબઈ પહોંચશે

05 April, 2026 11:08 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ભારતીય ધ્વજવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) ટૅન્કર ગ્રીન સાન્વીએ હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી લીધી છે.

ટૅન્કર ગ્રીન સાન્વી

ભારતીય ધ્વજવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) ટૅન્કર ગ્રીન સાન્વીએ હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી લીધી છે. આ ટૅન્કરમાં આશરે ૪૪,૦૦૦ મેટ્રિક ટન LPG છે. ટૅન્કરે શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી હતી અને ૬ એપ્રિલે મુંબઈ પહોંચવાની અપેક્ષા છે. માર્ચમાં હોર્મુઝ સ્ટ્રેટ પાર કરનાર આ સાતમું ભારતીય જહાજ છે. ઘણાં ભારતીય તેલ અને ગૅસનાં જહાજો હજી પણ હોર્મુઝમાં ફસાયેલાં છે જે ઈરાનની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. આગામી થોડા દિવસોમાં બે વધુ LPG ટૅન્કર, ગ્રીન આશા અને જગ વિક્રમ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચવાની અપેક્ષા છે.

ઈરાની તેલ લઈને ભારત આવતું ટૅન્કર ચીન જવા રવાના થયું એ અહેવાલને સરકારે રદિયો આપ્યો

ઈરાનથી આશરે ૬,૦૦,૦૦૦ બૅરલ ક્રૂડ ઑઇલ લઈને ભારત આવી રહેલું પિંગ શુન નામનું એક ટૅન્કર મધદરિયે અચાનક ચીન તરફ ફંટાઈ ગયું હોવાના અહેવાલોને સરકારે રદિયો આપ્યો હતો. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં ક્રૂડ તેલની સપ્લાય એકદમ સુરક્ષિત છે. ઈરાની તેલ માટે પેમેન્ટની શરતોમાં ફેરફારને કારણે ગુજરાતના વાડીનાર બંદર પર આવી રહેલું ટૅન્કર ચીન તરફ વળી ગયું હોવાના અહેવાલોને પણ સરકારે ખોટા ગણાવ્યા હતા. સરકારે કહ્યું હતું કે ઈરાન સાથે પેમેન્ટના મુદ્દે કોઈ સમસ્યા નથી અને આવનારા મહિનાઓમાં પણ ભારતને ક્રૂડ તેલની સપ્લાય થતી રહેવાની છે જેમાં ઈરાનના ક્રૂડનો પણ સમાવેશ છે.

ઈરાની હુમલામાં થયું નુકસાન: UAEની જાયન્ટ ઍલ્યુમિનિયમ ફૅક્ટરી ૧૨ મહિના બંધ

એમિરેટ્સ ગ્લોબલ ઍલ્યુમિનિયમ (EGA) કંપનીને ઈરાની હુમલામાં થયેલા નુકસાન બાદ એક વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલ તવીલા સાઇટ પર ઈરાની હુમલા પછી પ્રારંભિક સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફૅક્ટરી વિશ્વના સૌથી મોટા ઍલ્યુમિનિયમ ઉત્પાદન સંકુલોમાંનું એક છે.

international news world news hormuz strait middle east crisis iran israel united states of america