✕

સાઉદી અરેબિયાના રિયાધ ઍરપોર્ટ પર ભીષણ મિસાઇલ-હુમલો, ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો, ૩૦૯થી વધુ ઘાયલ

12 October, 2026 12:55 PM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

ઈરાનયુદ્ધ શરૂ થયા પછી કોઈ પણ ગલ્ફ આરબ દેશમાં આ સૌથી ઘાતક હુમલો હતો.

મિસાઇલ-હુમલાની તસવીર

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર શનિવારે કરવામાં આવેલા ભીષણ મિસાઇલ-હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૩૦૯થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈરાનયુદ્ધ શરૂ થયા પછી કોઈ પણ ગલ્ફ આરબ દેશમાં આ સૌથી ઘાતક હુમલો હતો.
જીવ ગુમાવનારાઓમાં ૪ સાઉદી નાગરિકોનો સમાવેશ થાય છે. અન્યમાં બે બંગલાદેશી અને અમેરિકા, ઇજિપ્ત, જૉર્ડન, સિરિયા, પૅલેસ્ટીન અને સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે અને તેઓ વિવિધ હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
સાઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધને પાડોશી યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોને દોષી ઠેરવ્યા છે.
કિંગ ખાલિદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ કૉમ્પ્લેક્સ પર મિસાઇલથી હુમલો થયો હતો, જ્યાં ટર્મિનલ 3 અને 4 પરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઑપરેટ થાય છે. છેલ્લા એક અઠવાડિયામાં ૪ વખત આ ઍરપોર્ટ પર હુમલા થયા છે. ૬ અને ૭ ઑક્ટોબરે થયેલા હુમલામાં ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૩૬ લોકો ઘાયલ થયા હતા.

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં અંધાધૂંધ ગોળીબાર 

એક ઘરમાં ગર્ભવતી મહિલા અને બે બાળકો સહિત ૯ જણનાં મોત

અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના એરી શહેરમાં શુક્રવારે રાત્રે એક ઘરમાં થયેલા ગોળીબારમાં એક ગર્ભવતી મહિલા અને પાંચ તથા એક વર્ષની વયનાં બે બાળકો સહિત કુલ ૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે ૪૫ વર્ષની વ્યક્તિએ ૮ લોકોને ગોળી મારી હતી અને ત્યાર બાદ કદાચ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ઘરની બહાર બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય ડેડ-બૉડી ઘરની અંદર મળી આવી હતી. જીવ ગુમાવનારા ૯ લોકોમાંથી ૮ જણ એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે નવમી વ્યક્તિ પરિવારની મિત્ર હતી. આની તપાસ ચાલુ હોવાથી આ ઘટના પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. 

saudi arabia iran united states of america bangladesh egypt blast riyadh