16 November, 2026 10:21 AM IST | Italy | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇટલીની ડેટા પ્રોટેક્શન ઑથોરિટીએ ઍન્ડ્રૉઇડ યુઝર્સના ફોટોગ્રાફ્સ અને વિડિયો ઍડ્વાન્સ મંજૂરી વિના ઍક્સેસ કરવા બદલ સોશ્યલ મીડિયા જાયન્ટ મેટા (Meta) ને ૮૪૨૬.૫ કરોડ રૂપિયા (૮૮.૭ કરોડ ડૉલર)નો દંડ ફટકાર્યો છે. આ દંડ ઇટાલિયન ઑથોરિટી દ્વારા અત્યાર સુધી ટેક કંપનીઓને કરવામાં આવેલા સૌથી મોટા દંડ પૈકીનો એક છે. ઑથોરિટીએ મેટાને ૬૦ દિવસમાં આ ફીચર ડિફૉલ્ટ રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ઑથોરિટીના જણાવ્યા મુજબ મેટાએ લગભગ બે કરોડ યુઝર્સને એ સ્પષ્ટ નહોતું કર્યું કે ફેસબુકની ઍપ તેમના ફોનની ગૅલરીના ફોટોઝ ઍક્સેસ કરી શકશે. આ ફીચર યુઝર્સને પોસ્ટ માટે તેમના જ ફોટોગ્રાફ્સ અને વિડિયો સજેસ્ટ કરતું હતું. જોકે ફેસબુકે આ માટે ઍપનું એક સામાન્ય ઑથોરાઇઝેશન જ લીધું હતું, જે યુઝર્સ માટે સ્પષ્ટ નહોતું.
મેટાના પ્રવક્તાએ આ દંડ વિશે અસંમતિ દર્શાવતાં કહ્યું કે એણે કાયદાનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી અને આ દંડની રકમ વધારે પડતી છે. કંપની આ નિર્ણય સામે અપીલ કરવાની તૈયારી કરી રહી છે. અગાઉ ગયા મહિને અમેરિકાની અદાલતે પણ યુઝર્સના ડેટાના દુરુપયોગ વિશે ખોટી માહિતી આપવા બદલ મેટાને ૨.૩૭ લાખ કરોડ રૂપિયા (૨૫ અબજ ડૉલર) નો દંડ ફટકાર્યો હતો.