27 March, 2026 10:13 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તનાવને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતાં કહ્યું છે કે હવે ઈરાન જલદી ગંભીર થઈને નિર્ણય લે એ જરૂરી છે, નહીંતર હાલત વધુ બગડી જશે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન સમાધાન માટે તૈયાર છે, પરંતુ સાર્વજનિક રીતે ઇનકાર કરી રહ્યું છે.
ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ઈરાનના વાટાઘાટકારો અજીબ છે; એક તરફ સમાધાન માટે ભીખ માગી રહ્યા છે, પરંતુ જાહેરમાં ઇનકાર કરી રહ્યા છે.
અમેરિકા અને ઇઝરાયલની કાર્યવાહી પછી ઈરાનનું સૈન્ય નબળું પડી ચૂક્યું છે અને તેમની પાસે ફરીથી ઊઠવાનો કોઈ મોકો નથી રહ્યો એમ જણાવતાં ટ્રમ્પે લખ્યું હતું, ‘જો ઈરાન જલદીથી નિર્ણય નહીં લે તો અહીંથી પાછા વળવાના તમામ રસ્તા બંધ થઈ જશે. ઈરાન સમાધાન માટે તૈયાર છે, પરંતુ ખૂલીને વાત નથી કરી રહ્યું. ઈરાનની અંદરની હાલત એવી છે કે કોઈ નેતા ઓપનલી વાતચીતનો સ્વીકાર નથી કરી શકતા.’
ઈરાને સતત આ દાવાઓને રદિયો આપ્યો છે અને એટલું જ કહ્યું છે કે તેઓ પોતાની શરત પર જ સમાધાન કરવા તૈયાર છે.
મને દેશના નવા સુપ્રીમ લીડર બનાવવા માગતું હતું ઈરાન, પણ મેં ના પાડી દીધી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે રિપબ્લિકન પાર્ટીના એક ફન્ડરેઝર કાર્યક્રમમાં બોલતી વખતે કહ્યું હતું કે ‘ઈરાનના નેતાઓએ અનૌપચારિકરૂપે મને એવો સુઝાવ આપ્યો હતો કે હું ઇસ્લામિક ગણરાજ્યનો નવો સર્વોચ્ચ નેતા બનું, પરંતુ મેં એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.’ ડોનલ્ડ ટ્રમ્પ મનઘડંત દાવાઓ કરવા માટે જાણીતા છે. એક તરફ તેઓ વારંવાર કહી રહ્યા છે કે ઈરાન અમેરિકા સાથે યુદ્ધવિરામ વિશે વાત કરી રહ્યું છે, જ્યારે ઈરાન સતત એ દાવાઓને નકારી રહ્યું છે. આ વખતે હવે ટ્રમ્પ કંઈક એવું બોલ્યા છે જેના પર કોઈને વિશ્વાસ બેસે એમ નથી. છતાં પાર્ટીની ફન્ડરેઝિંગ ડિનર મીટિંગમાં ટ્રમ્પે વારંવાર દોહરાવ્યું હતું કે ‘હું તેમની વાત બહુ સાફ રીતે સાંભળી શક્યો છું. તેમણે કહ્યું હતું કે તેઓ મને ઈરાનના નવા સુપ્રીમ લીડર બનાવવા ઇચ્છે છે. ત્યારે મેં તેમને કહેલું કે ના, થૅન્ક યુ; હું નથી બનવા માગતો.’
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તનાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સ્ટ્રૅટેજિક પ્લાન તૈયાર કર્યો છે. આ યોજનામાં લગભગ ૫૦,૦૦૦ સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. ૨૦૦ ફાઇટર જેટ, બે ઍરક્રાફ્ટ કૅરિયર અને ૧૦૦૦ સ્પેશ્યલ કમાન્ડો ઈરાન પર દબાણ બનાવવા માટે તૈયાર છે. આ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ ઈરાન પર પ્રેશર કરીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા અને આ વિસ્તારમાં અમેરિકાની પકડ મજબૂત કરવાનો છે.