અમેરિકાએ અપનાવ્યો ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાનો વ્યૂહ

23 April, 2026 11:26 AM IST  |  iran | Gujarati Mid-day Correspondent

હોર્મુઝની નાકાબંધીથી ઈરાનની આવક રોકવામાં આવી: ઈરાનનું અર્થતંત્ર તેલની નિકાસ પર નભે છે, આવક ઓછી થાય તો મુશ્કેલી ઊભી થશે

હોર્મુઝની ખાડી

અમેરિકાનું ઑપરેશન એપિક ફ્યુરી ઈરાનની આર્થિક તારાજી તરફ આગળ વધી રહ્યું હોય એવું લાગે છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવવાના નિર્ણયને જાહેર કર્યો પણ એની પાછળનો વ્યૂહ ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાનો દેખાઈ રહ્યો છે. ઈરાની બંદરોની નાકાબંધી ચાલુ રાખીને ડોનલ્ડ ટ્રમ્પ ઈરાનને ખાર્ગ ટાપુમાં એનું તેલનું ઉત્પાદન બંધ કરવા દબાણ કરવા માગે છે, જે એના મુખ્ય આવકપ્રવાહને સીધી અસર કરે છે. ઈરાન માટે આ નુકસાન કાયમી હોઈ શકે છે.

ટ્રમ્પ-ટીમ સારી રીતે જાણે છે કે બૉમ્બમારાનો અને ધમકીઓનો એક મહિનાનો સમય ઈરાનને રોકવામાં કે અટકાવવામાં નિષ્ફળ ગયો છે. આ જ કારણ છે કે ટ્રમ્પે ઈરાનમાં ઘણા બૉમ્બ ફૂટશે એવું ભારપૂર્વક જણાવ્યું હતું. ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવ્યો છે પણ નાકાબંધી હટાવી નથી.

પાકિસ્તાનમાં વાટાઘાટોના કોઈ પણ નવા રાઉન્ડ પહેલાં ઈરાને નાકાબંધી હટાવવાની માગણી કરી હતી. અમેરિકા સારી રીતે જાણે છે કે વર્તમાન ઈરાની નેતૃત્વમાં તિરાડો પડી ચૂકી છે. ઈરાનને પંગુ બનાવવા અમેરિકા પાસે એકમાત્ર રસ્તો એ છે કે એની આર્થિક જીવનરેખા સમી તેલ ઉત્પાદન કરવાની ક્ષમતા કાયમી ધોરણે નબળી પાડી દેવી.

હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીને કારણે બંદરોમાં પ્રવેશતાં અથવા બહાર નીકળતાં ઈરાની તેલજહાજોની અવરજવર મર્યાદિત થઈ ગઈ છે. વિશ્વનો ૨૦ ટકા તેલનો હિસ્સો સ્ટ્રેટમાંથી પસાર થાય છે. જો ઈરાન તેલની નિકાસ કરવામાં અસમર્થ બને તો ખાર્ગ ટાપુ પર એનો સંગ્રહ થોડા દિવસોમાં ભરાઈ જવાની શક્યતા છે. એક વાર તેલ સંગ્રહ કરવા માટે કોઈ જગ્યા નહીં મળે તો ઈરાનને તેલનું ઉત્પાદન બંધ કરવાની ફરજ પડશે. આમ ઈરાનના પ્રાથમિક આવક સ્રોત પર સીધો ફટકો પડશે.

યુદ્ધવિરામ છેતરપિંડી, તેહરાનને જરૂર નહોતી : ઈરાની મીડિયા 

ડોનલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કર્યા પછી તરત જ ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે ‘તેહરાનને યુદ્ધવિરામની જરૂર નથી. એ શક્યતાને નકારી શકાય નહીં કે યુદ્ધવિરામ લંબાવવો એ ટ્રમ્પ તરફથી છેતરપિંડી હોઈ શકે છે. ટ્રમ્પ યુદ્ધવિરામ લંબાવવાનો દાવો કરી શકે છે, પરંતુ પછી અમેરિકન પ્રશાસન અથવા ઇઝરાયલ હુમલાઓ કરશે.’

તેલનો સંગ્રહ ક્યાં કરવો?

એક અઠવાડિયા પહેલાં હોર્મુઝ નાકાબંધી શરૂ થઈ ત્યારથી અમેરિકાએ ૨૭ જહાજોને પાછાં મોકલી દીધાં છે. ઓમાનના અખાત નજીક અમેરિકન મરીન દ્વારા બે ઈરાની ફ્લૅગવાળાં કાર્ગો જહાજો પર ચડીને તેમને કબજે કરવામાં આવ્યાં ત્યારે મામલો વધુ વણસ્યો હતો. વિશ્લેષકોની આગાહી છે કે ઈરાન પાસે વધારાના તેલને રાખવા માટે મર્યાદિત સંગ્રહક્ષમતા છે. ૧૩ એપ્રિલના અંદાજ મુજબ ઈરાન પાસે જમીન પર લગભગ પચાસ-પંચાવન મિલ્યન બૅરલ તેલ છે. લગભગ ૬૦ ટકા ઑનશોર સ્ટોરેજ પહેલેથી જ ભરાઈ ગયું છે. ઈરાન પાસે લગભગ ૧.૫ મિલ્યન બૅરલના દૈનિક વધારા સામે લગભગ ૨૦ મિલ્યન બૅરલ વધારાની ક્ષમતા છે. ઈરાન હજી પણ વેચી શકે એના કરતાં વધુ તેલનું ઉત્પાદન કરી રહ્યું છે. જો સ્ટોરેજ ટૅન્ક ભરાઈ જાય તો ઈરાન પાસે ઉત્પાદન બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. એનાથી ઈરાનના જૂના થઈ રહેલા તેલકૂવાઓને લાંબા ગાળાના નુકસાનનું જોખમ રહેલું છે. એક વાર તેલનો કૂવો બંધ થઈ જાય પછી ઉત્પાદન ફરી શરૂ કરવું એ એક મુશ્કેલ કાર્ય હશે જેમાં વર્ષો લાગી શકે છે. વધુમાં કૂવો ફરી ક્યારેય એટલા જ પ્રમાણમાં તેલ ઉત્પન્ન કરી શકશે નહીં.

ઈરાનને થતું નુકસાન

ઈરાનને દરરોજ ૩,૦૦,૦૦૦થી ૫,૦૦,૦૦૦ બૅરલનું નુકસાન થવાની સંભાવના છે. આ નુકસાન દર વર્ષે લગભગ નવથી ૧૫ અબજ ડૉલર (આશરે ૭૫,૦૦૦ કરોડથી ૧.૨૫ લાખ કરોડ રૂપિયા) થાય છે. ઈરાનનું અર્થતંત્ર ક્રૂડનિકાસ પર ભારે નિર્ભર રહે છે. આમ તેલક્ષેત્રોને બળજબરીથી બંધ કરીને ટ્રમ્પ હવે ઈરાનને પાયમાલ કરવાનો અને અમેરિકાની યુદ્ધવિરામની શરતો સ્વીકારવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આનાથી કોઈ પણ લશ્કરી કાર્યવાહી કરતાં વધુ કાયમી નુકસાન થશે.

હારનાર પક્ષ શરતો નક્કી કરી શકતો નથી : ઈરાન 

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફના વરિષ્ઠ સલાહકાર મહદી મોહમ્મદીએ ડોનલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામ લંબાવવાના નિર્ણયની મજાક ઉડાવતાં કહ્યું છે કે એનો અર્થ ‘કંઈ નથી’ અને ‘હારનાર પક્ષ શરતો નક્કી કરી શકતો નથી’. ટ્રમ્પનો યુદ્ધવિરામ લંબાવવાનો નિર્ણય ચોક્કસપણે આશ્ચર્યજનક સ્ટ્રાઇક માટે સમય મેળવવાનું કાવતરું છે. ઈરાન માટે પહેલ કરવાનો સમય આવી ગયો છે. નાકાબંધી ચાલુ રાખવી એ બૉમ્બમારાથી અલગ નથી અને એનો લશ્કરી જવાબ આપવો જ જોઇએ. ઈરાન માટે પહેલ કરવાનો સમય આવી ગયો છે.

ઈરાન આર્થિક રીતે તૂટી રહ્યું છે, સૈન્ય અને પોલીસને પગાર મળી રહ્યો નથી : ડોનલ્ડ ટ્રમ્પ

યુદ્ધવિરામ લંબાવ્યા પછી ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન આર્થિક રીતે તૂટી રહ્યું છે, લશ્કર અને પોલીસની ફરિયાદ છે કે તેમને પગાર મળી રહ્યો નથી. ટ્રુથ સોશ્યલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવામાં આવે. ઈરાનમાં રોકડ રકમની તંગી છે. તેઓ દરરોજ ૫૦૦ મિલ્યન ડૉલર ગુમાવી રહ્યા છે. ઈરાની નેતૃત્વ નોંધપાત્ર આંતરિક દબાણ હેઠળ છે. 

international news world news united states of america iran israel donald trump middle east crisis