બોલિવિયામાં ચલણી નોટો લઈ જતું મિલિટરી પ્લેન ક્રૅશ થઈ ગયું, ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા

01 March, 2026 09:49 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કરન્સી નોટોથી ભરેલું ઍરફોર્સનું હર્ક્યુલસ C-130 કાર્ગો વિમાન ટેક-ઑફ થયાની થોડી મિનિટોમાં નજીકના હાઇવે પર ક્રૅશ થઈ જતાં ઓછામાં ઓછા ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા

પ્લૅન ક્રેશ

સાઉથ અમેરિકામાં આવેલા દેશ બોલિવિયામાં શુક્રવારે દેશની રાજધાની લા પાઝ નજીક કરન્સી નોટોથી ભરેલું ઍરફોર્સનું હર્ક્યુલસ C-130 કાર્ગો વિમાન ટેક-ઑફ થયાની થોડી મિનિટોમાં નજીકના હાઇવે પર ક્રૅશ થઈ જતાં ઓછામાં ઓછા ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ વિમાન સેન્ટ્રલ બૅન્કથી અન્ય શહેરોમાં નવી ચલણી નોટો લઈને જઈ રહ્યું હતું. આ નોટો પર સિરિયલ નંબર છાપવામાં આવ્યા નહોતા.

આ ક્રૅશ વિશે ફાયર ચીફે જણાવ્યું હતું કે ‘જીવ ગુમાવનારા વિમાનમાં હતા કે હાઇવે પર મુસાફરી કરી રહેલાં વાહનોના પ્રવાસીઓ હતા એની જાણ થઈ નથી. વિમાન લા પાઝ ઍરપોર્ટથી ઉડાન ભરતું હતું ત્યારે જ રનવે પરથી લપસી ગયું હતું અને નજીકમાં આવેલા અલ અલ્ટો શહેરના હાઇવે પર પહોંચતાં એ રસ્તા પર અનેક વાહનો સાથે અથડાયું હતું. ક્રૅશ બાદ વિમાનમાં આગ લાગી હતી અને કાટમાળ રસ્તા પર વિખેરાઈ ગયો હતો.’ 

વિમાનમાંથી ચલણી નોટોનાં બંડલો રસ્તા પર વેરવિખેર થઈ ગયાં હતાં જેને લૂંટવા માટે લોકોએ પડાપડી કરી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં લોકો નોટો લેવા માટે ઘટનાસ્થળે દોડી રહ્યા છે તો કેટલાક લોકો સળગતા કાટમાળની નજીક પણ પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘણા લોકો જમીન પર પડેલી નોટો એકત્રિત કરવામાં વ્યસ્ત હતા. પ્રશાસને ઍરપોર્ટ પરથી ફ્લાઇટ્સ અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલમાં એ સ્પષ્ટ નથી કે અકસ્માતનું કારણ શું હતું.

international news world news donald trump washington plane crash