19 October, 2026 03:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે લંડનમાં પાર્લમેન્ટ સ્ક્વેર પર નરેન્દ્ર મોદીના સપોર્ટરો (ઉપર) અને જ્ઞાનેશ કુમારની હકાલપટ્ટીની માગણી કરતા પ્રદર્શનકારીઓ.
લંડનના પાર્લમેન્ટ સ્ક્વેર ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે શનિવારે જ્ઞાનેશ કુમાર અને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે વિશાળ વિરોધ-પ્રદર્શન યોજાયું હતું. ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસ અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીએ મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું હતું.
જોકે આ પ્રદર્શન દરમ્યાન ઇન્ડિયન ડાયસ્પોરા ઇન UKના સ્થાપક હિરદેશ ગુપ્તાના નેતૃત્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોનું એક મોટું જૂથ પણ ત્યાં પહોંચી ગયું હતું. ધ્રુવ રાઠીના સમર્થકો જ્યારે નારા લગાવી રહ્યા હતા ત્યારે સામે પક્ષેથી પણ મોદી-મોદીના નારા લાગતાં બન્ને જૂથો વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ હતી.
લંડન મેટ્રોપૉલિટન પોલીસ દ્વારા સતત ચાંપતી નજર રાખીને બન્ને જૂથોને એકબીજાથી અલગ રાખીને કોઈ પણ પ્રકારનું સંભવિત ઘર્ષણ ટાળવામાં આવ્યું હતું.
અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયો ૧૯થી બાવીસ ઑક્ટોબર વચ્ચે ભારતની મુલાકાતે આવવાના છે અને આ વખતે તેઓ દિલ્હીના બદલે મુંબઈ અને જામનગર જવાના છે. માર્કો રુબિયો ૨૦ ઑક્ટોબરે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને મળવાના છે. માર્કો રુબિયોની ભારત મુલાકાત પહેલાં અમેરિકામાં પ્રમિલા જયપાલ અને ઇલ્હાન ઉમર સહિત ૬ ડેમોક્રૅટિક સંસદસભ્યોએ માર્કો રુબિયોને વિનંતી કરી છે કે તેઓ તેમના ભારતીય વાર્તાલાપકારો સાથે દિલ્હી અને ભારતના અન્ય ભાગોમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-પ્રદર્શન દરમ્યાન થયેલા બળપ્રયોગનો મુદ્દો ઉઠાવે.