04 May, 2026 07:36 AM IST | vadodara | Gujarati Mid-day Correspondent
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) દ્વારા સમાજશાસ્ત્રના અનુસ્નાતક (MA) અભ્યાસક્રમમાં ‘મોદીતત્ત્વ’ નામનું એક નવું મૉડ્યુલ ઉમેરવામાં આવ્યું છે. ‘સોશ્યોલૉજી ઑફ પેટ્રિયોટિઝમ’ એટલે કે દેશભક્તિનું સમાજશાસ્ત્ર શીર્ષક હેઠળના આ નવા કોર્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘કરિશ્માઈ નેતૃત્વ’ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સામાજિક પ્રભાવનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવશે.
યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. વીરેન્દ્ર સિંઘે કહ્યું હતું કે ‘જે રીતે (જર્મન સમાજશાસ્ત્રી) મૅક્સ વેબરના કરિશ્માઈ નેતૃત્વના સિદ્ધાંતો મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગમાં જોવા મળતા હતા એવું જ નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં પણ જોવા મળે છે. આ અભ્યાસક્રમમાં નોટબંધી, ડિજિટલ ક્રાન્તિ અને જલશક્તિ મંત્રાલય જેવી નીતિઓ દ્વારા તેમની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા પાછળનાં સામાજિક કારણોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં સરકારી યોજનાઓના અમલીકરણમાં RSSની ભૂમિકા અંગે પણ શૈક્ષણિક ચર્ચા કરવામાં આવશે.’
આ નવા મૉડ્યુલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જેવા સમાજસુધારકોનાં કાર્યો અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સોશ્યોલૉજીમાં બે વર્ષની માસ્ટર્સની ડિગ્રીના કોર્સમાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવશાળી નેતૃત્વને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ભણાવવામાં આવશે.
RSSના સામાજિક પ્રભાવ અને એનાં ગ્રાઉન્ડ લેવલનાં કાર્યોનું પણ વિશ્ળેષણ શીખવવામાં આવશે.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, ડિજિટલ ઇન્ડિયા અને શિવાજી મહારાજના હિન્દુ સ્વરાજ જેવા વિષયો પર રિચર્સ થશે.