મોજતબા ખામેનેઈ પિતાની સાથે જ મૃત્યુ પામ્યા હોત, પણ વૉક કરવા નીકળ્યા હોવાથી બચી ગયા

18 March, 2026 01:10 PM IST  |  iran | Gujarati Mid-day Correspondent

જ્યારે મિસાઇલોએ તેમના ઘર પર હુમલો કર્યો એની થોડી મિનિટ પહેલાં જ તેઓ બગીચામાં ટહેલવા નીકળ્યા હતા

મોજતબા ખામેનેઈ

૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલે કરેલા જે હુમલામાં ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર અલી ખામેનેઈ મૃત્યુ પામ્યા હતા એ વખતે મોજતબા ખામેનેઈ પણ ત્યાં જ હતા, પરંતુ થોડી મિનિટો પહેલાં જ તેઓ ગાર્ડનમાં ટહેલવા નીકળ્યા અને બચી ગયા હતા. એક ઑડિયો લીક થયો છે જેમાં આ વાત જાહેર થઈ હતી. મોજતબા ખામેનેઈ ૨૮ ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં થોડી સેકન્ડના અંતરને કારણે બચી ગયા હતા. જ્યારે મિસાઇલોએ તેમના ઘર પર હુમલો કર્યો એની થોડી મિનિટ પહેલાં જ તેઓ બગીચામાં ટહેલવા નીકળ્યા હતા. 

‘ધ ટેલિગ્રાફ’ ન્યુઝપેપરને મળેલા એક લીક ઑડિયોમાં ખબર પડી હતી કે સ્થાનિક સમય અનુસાર ૨૮ ફેબ્રુઆરીએ સવારે ૯.૩૨ વાગ્યે ઇઝરાયલની બ્લુ સ્પૅરો બૅલિસ્ટિક મિસાઇલોએ ખામેનેઈના આવાસ પર હુમલો કર્યો એની થોડી ક્ષણ પહેલાં તેઓ અમસ્તા જ ગાર્ડનમાં ફરવા નીકળી ગયા હતા. અલી ખામેનેઈની ઑફિસના પ્રોટોકૉલ પ્રમુખ મજાહિર હુસેનીએ વરિષ્ઠ મૌલવીઓ અને ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝના કમાન્ડરોને સંબોધિત કરતા ભાષણમાં આ વિશેનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો એની ઑડિયો-ક્લિપમાં આ દાવા થયા છે. એ હુમલા વખતે સુપ્રીમ લીડરની ઑફિસમાં શું-શું થઈ ગયું એનો પણ અહેવાલ આપવામાં આવ્યો હતો. મજાહિર હુસેનીએ એમાં એ પણ ખુલાસો કર્યો હતો કે હુમલામાં મોજતબાને પગમાં ઈજા થઈ હતી જ્યારે તેમનાં પત્ની અને દીકરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમના સાળાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. સૈન્ય બ્યુરોના પ્રમુખ મોહમ્મદ શિરાજીના શબના માત્ર ટુકડા મળ્યા હતા. મોજતબા ખામેનેઈને પગમાં મામૂલી ઈજા થઈ હતી. તેમના શરીર પર થોડી ધૂળ અને કાટમાળ ઊડ્યાં હતાં, પરંતુ તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. 

મોજતબા રશિયામાં નથી 

૨૮ ફેબ્રુઆરીના હુમલા પછી અલી ખામેનેઈના બીજા દીકરા કે મોજતબા જાહેરમાં દેખાયા નથી. કેટલાક મીડિયા-રિપોર્ટ દાવો કરે છે કે મોજતબાને ઈરાનથી દૂર રશિયામાં સારવાર માટે ખસેડાયા છે. જોકે ઈરાનના રશિયાના રાજદૂત કાજેમ જલાલીએ સ્પષ્ટ કર્યું હતું કે ‘આ સમાચાર સાવ ખોટા છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર સારવાર માટે મૉસ્કો ગયા છે. આ યુદ્ધને લઈને ખોટો પ્રચાર છે જે મનોવૈજ્ઞાનિક રમત રમવા માટે ફેલાવાઈ છે.’

international news world news israel iran united states of america middle east crisis