24 March, 2026 11:01 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સમાજમાં માતાઓના મહત્વપૂર્ણ યોગદાન અને તેમની ભૂમિકાને બિરદાવવા માટે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)નીસરકારે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. UAEના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે તેમને ત્યાં 21 માર્ચે ઊજવાતા મધર્સ ડે પર તમામ માતાઓ અને ખાસ કરીને ગૃહિણીઓ માટે એક અત્યંત પ્રેરણાદાયી અને સન્માનજનક જાહેરાત કરી છે. શેખ હમદાન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિર્દેશ મુજબ હવે સરકારી દસ્તાવેજો અને સામાજિક ઓળખમાં હાઉસવાઇફ (ગૃહિણી) શબ્દને બદલે `જનરેશન શેપર` (પેઢીની ઘડવૈયા) શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે.
આ આદેશ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માતાઓના એ બલિદાન અને મહેનતને માન્યતા આપવાનો છે જે તેઓ પરિવાર અને રાષ્ટ્રના નિર્માણમાં આપે છે. શેખ હમદાને આ અંગે જણાવ્યું હતું કે `માતા એ બાળકની પ્રથમ શાળા છે. તે માત્ર ઘર નથી સંભાળતી, પરંતુ આવનારી પેઢીના સંસ્કારો, મૂલ્યો અને વ્યક્તિત્વનું ઘડતર કરે છે. તેથી તેમને માત્ર `ગૃહિણી` કહેવી એ તેમના કાર્યનું નાનું મૂલ્યાંકન છે.`
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની લાગણી વ્યક્ત કરતાં શેખ હમદાને લખ્યું કે `બાળકોમાં જવાબદારી, નૈતિકતા અને દેશપ્રેમની ભાવના જગાડવામાં માતાની ભૂમિકા સર્વોપરી છે. એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે માતાઓ જે પાયો નાખે છે એની સરખામણી અન્ય કોઈ કાર્ય સાથે થઈ શકે નહીં.`
૧૦ મે - ભારત સહિતના ૯૦ કરતાં વધુ દેશોમાં મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઊજવાય છે. આ વર્ષે ૧૦ મેએ મધર્સ ડે છે