મુકેશ અંબાણી કતારમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કતાર લીડરને મળ્યા, સાથે મળી ડિનર પણ કરશે

15 May, 2025 05:32 PM IST  |  Doha | Gujarati Mid-day Online Correspondent

મુકેશ અંબાણી લુસેલ પૅલેસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આયોજિત સ્ટેટ ડિનરમાં હાજરી આપશે પરંતુ તેમના વચ્ચે કોઈ રોકાણ કે વ્યવસાયિક ચર્ચાઓ થઈ એવી કોઈ શક્યતા નથી, એવું આ બાબતની સીધી જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારના શેખ તમીમ બિન હમદ અલ થાની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીને મળ્યા (તસવીર: એજન્સી)

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 14 મેના રોજ કતારના દોહામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના લીડર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મુલાકાત કરી હતી. એક વીડિયોમાં, અંબાણી ટ્રમ્પ સાથે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે, અને બન્ને ટૂંકી વાતચીતમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. ત્યારબાદ અંબાણી કતારના અમીર સાથે હાથ મિલાવતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ ઔપચારિક હાથ મિલાવવાની સેરેમની શરૂ થઈ.

મીડિયા અહેવાલ મુજબ, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી લુસેલ પૅલેસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આયોજિત સ્ટેટ ડિનરમાં હાજરી આપશે પરંતુ તેમના વચ્ચે કોઈ રોકાણ કે વ્યવસાયિક ચર્ચાઓ થઈ એવી કોઈ શક્યતા નથી, એવું આ બાબતની સીધી જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું.

અંબાણી સ્ટેટ ડિનરમાં હાજરી આપશે, કોઈ વ્યવસાયિક ચર્ચાનું આયોજન નથી

કતારના સોવ્રેન વેલ્થ ફંડ, QIA એ વર્ષોથી રિલાયન્સના વ્યવસાયોમાં રોકાણ કર્યું છે. અંબાણીની ગૂગલ અને મેટા સહિત યુએસ ટૅક જાયન્ટ્સ સાથે પણ મુખ્ય ભાગીદારી છે. લંડનમાં રહેતા અન્ય ભારતીય મૂળના ઉદ્યોગપતિ, જે ટ્રમ્પ અને કતારના વહીવટીતંત્ર બન્નેની નજીક હોવા માટે જાણીતા છે, તે પણ ડિનરમાં હાજરી આપશે, એમ અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું.

છેલ્લે વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા ટ્રમ્પ અને અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેયરમૅન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતાએ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિપબ્લિકન નેતાના બીજા શપથગ્રહણના એક દિવસ પહેલા મળ્યા હતા. મુકેશ અને નીતા અંબાણી કદાચ એકમાત્ર ભારતીય હતા જેમણે ટ્રમ્પ સાથે ડિનરમાં હાજરી આપી હતી જ્યાં ઉપરાષ્ટ્રપતિ-ચૂંટાયેલા જેડી અને ઉષા વાન્સ પણ તેમને મળ્યા હતા. ટ્રમ્પ પરિવાર તરફથી વ્યક્તિગત આમંત્રિણ મળતા મુકેશ અને નીતા અંબાણી ૨૦ જાન્યુઆરીના શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. મુકેશ અંબાણી જે કંપનીનું અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સંચાલન કરે છે તેના પર ટિપ્પણીઓ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને મોકલવામાં આવેલ એક ઇમેઇલનો જવાબ મળ્યો નથી.

ભારત અને પાકિસ્તાનના પ્રમુખ સાથે મળીને ડિનર કરે એવી ટ્રમ્પની ઈચ્છા

ભારત-પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારતના વારંવાર ઇનકાર છતાં બળજબરીથી મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે બન્ને દેશો વચ્ચેના વિવાદને ઉકેલવા માટે બળજબરીથી સરપંચ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાઉદી અરેબિયામાં એક સંબોધન દરમિયાન, ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામને તેમની સરકારની શાંતિ સ્થાપવાની સિદ્ધિ ગણાવી. તેમણે તો એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાને સાથે ડિનર પર જવું જોઈએ જેથી તણાવ વધુ ઓછો થઈ શકે.

mukesh ambani doha qatar donald trump us president reliance international news