યુકેમાં ભારતીય મૂળની મહિલાની હત્યા, ટ્યુનિશિયાના નાગરિકની ધરપકડ

21 March, 2022 04:44 PM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

કહેવાય છે કે મારૂફ અને થનવાણી વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

સ્કોટલેન્ડ યાર્ડે લંડનમાં ભારતીય મૂળની બ્રિટિશ મહિલાની હત્યાની શંકામાં ટ્યુનિશિયન નાગરિકની ધરપકડ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બ્રિટિશ નાગરિક સબિતા થનવાણી (19) શનિવારે લંડનના ક્લર્કનવેલ વિસ્તારમાં આર્બર હાઉસ ખાતે વિદ્યાર્થીઓ માટેના ફ્લેટમાં ગળામાં ગંભીર ઈજાઓ સાથે મૃત હાલતમાં મળી આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. મેટ્રોપોલિટન પોલીસે તરત જ 22 વર્ષીય માહિર મારૂફની ધરપકડ કરવા માટે અપીલ જારી કરી હતી.

કહેવાય છે કે મારૂફ અને થનવાણી વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. સત્તાવાળાઓએ રવિવારે ક્લર્કનવેલના એ જ વિસ્તારમાંથી મારૂફની ધરપકડ કરી હતી, જ્યાં એક દિવસ અગાઉ સબિતાનો મૃતદેહ મળ્યો હતો. મેટ્રોપોલિટન પોલીસની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચના ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર લિન્ડા બ્રેડલીએ કહ્યું કે “સબિતાના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવી છે. અમને તેમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે. હું દરેકને અપીલ કરીશ કે આ ખૂબ જ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવસીનું સન્માન કરે.”

તેણે કહ્યું કે “મારૂફ અને સબિતા વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ મારૂફ વિદ્યાર્થી નથી. તે ટ્યુનિશિયાનો નાગરિક છે, જેનું સરનામું અમારી પાસે નથી. સબિતા લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને શુક્રવારે મારૂફ સાથે જોવા મળી હતી. હાલ હત્યાનું કારણ જાણી શકાયું નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.

international news india united kingdom