અમેરિકન અને યુરોપિયન બાળકોમાં લીવરની રહસ્યમય બીમારી

18 April, 2022 09:14 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

અનેક દેશોના હેલ્થ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને યુરોપમાં બાળકોમાં લીવરની રહસ્યમય અને ગંભીર બીમારીના અનેક કેસ સામે આવ્યા છે. જેની અનેક દેશોના હેલ્થ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ અધિકારીઓનું માનવું છે કે આ બીમારી માટે કોઈ ચોક્કસ વાઇરસ જવાબદાર હોઈ શકે છે.  

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે યુકેમાં આવા ઓછામાં ઓછા ૭૪ કેસ આવ્યા છે, જેમાં બાળકોને હેપેટાઇટિસ કે લીવરનો પ્રોબ્લેમ થયો છે. સ્પેનમાં એવા જ ત્રણ કેસ આવ્યા છે. આયર્લેન્ડમાં પણ કેટલાક કેસ આવ્યા છે.

દરમ્યાન અમેરિકાના હેલ્થ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આવા નવ કેસમાં તપાસ કરી રહ્યા છે. આ તમામ કેસ અલબામામાં આવ્યા છે, પરંતુ અધિકારીઓએ જણાવ્યું છે કે બીજા રાજ્યોમાં પણ આવા કેસ આવ્યા છે કે નહીં એની તેઓ તપાસ કરી રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘છેલ્લા એક મહિનામાં આવા કેસમાં વધારો થયો છે. તેમ જ આવા કેસ વધુ શોધવા માટે તપાસ થઈ રહી છે એ જોતા આગામી દિવસોમાં વધારે કેસ ડિટેક્ટ થઈ શકે છે.’

લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર પડી

અમેરિકામાં આ બીમારી એકથી છ વર્ષની ઉંમરના ગ્રુપનાં બાળકોમાં જોવા મળી છે. અમેરિકા અને બ્રિટનમાં કેટલાક પેશન્ટ્સને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર પડી હતી. આ મહિનાની શરૂઆતમાં આ અસામાન્ય બીમારીનો પહેલી વખત ખ્યાલ આવ્યો હતો. આ બીમારીમાં કમળો, ડાયેરિયા અને પેટમાં દુખાવા જેવાં લક્ષણો જોવા મળ્યાં છે. 

international news united states of america united kingdom europe