23 March, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીએ એવા સમયે હાઈ લેવલ રિવ્યુ બેઠક બોલાવી હતી જ્યારે વૈશ્વિક તેલબજારો અસ્થિર છે
વેસ્ટ એશિયામાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંજે પેટ્રોલિયમ, ક્રૂડ ઑઇલ, ગૅસ, વીજળી અને ખાતર ક્ષેત્રોને લગતી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. નરેન્દ્ર મોદીએ એવા સમયે હાઈ લેવલ રિવ્યુ બેઠક બોલાવી હતી જ્યારે વૈશ્વિક તેલબજારો અસ્થિર છે, યુદ્ધને કારણે બ્રેન્ટ ક્રૂડ ૧૧૯ ડૉલરની ઇન્ટ્રાડે ઊંચી સપાટીને સ્પર્શ્યા પછી લગભગ ૧૦૯ ડૉલર પ્રતિ બૅરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે અમેરિકાથી એક લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) ટૅન્કર ભારતના પશ્ચિમ કિનારે ડૉક થયું હતું, જેમાં ઊર્જા-સુરક્ષા વિશે વધતી ચિંતાઓ વચ્ચે પુરવઠામાં થોડી રાહત મળી હતી.
આ બેઠકમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડા, ભારતના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ, કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ સહિત અન્ય વરિષ્ઠ પ્રધાનો હાજર રહ્યા હતા.
દેશમાં લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG)ની અછતને કારણે વ્યાપક વિક્ષેપ પડ્યો છે. ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટમાં અનેક ભારતીય જહાજો અવરોધિત થવાને કારણે LPG ટૅન્કરો દેશમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જોકે સરકારે ખાતરી આપી છે કે એ શક્ય હોય ત્યાંથી LPG ખરીદશે. રશિયાને પણ એક વિકલ્પ તરીકે ગણવામાં આવશે.