નરેન્દ્ર મોદીએ જો બાઇડનને કહ્યું, ‘ભારત-અમેરિકાની મજબૂત દોસ્તીનાં બીજ આપણે વાવી દીધાં’

25 September, 2021 11:25 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બન્ને આગેવાનોએ વિશ્વમાં લોકશાહીનાં મૂલ્યો જળવાય એના પર ભાર આપ્યો

તસવીર : એ.એફ.પી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અહીં વાઇટ હાઉસ ખાતે અમેરિકાના પ્રમુખ જો બાઇડનને મળ્યા હતા અને બન્ને નેતાઓએ ઘણી વાર સુધી મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

મોદીએ બાઇડન સાથેની મંત્રણામાં લોકશાહીનાં મૂલ્યોની જાળવણી પર ભાર આપવાની સાથે તેમને કહ્યું હતું કે ‘તમારા પ્રમુખપદમાં ભારત-અમેરિકાના સંબંધ વિસ્તારવા અને દૃઢ બનાવવા માટેનાં બીજ વાવવામાં આવી ચૂક્યાં છે. વિશ્વના તમામ લોકશાહીવાદી દેશો માટે આ દાયકો પરિવર્તનશીલ બની રહેશે. આપણે ભારત-યુએસના સંબંધમાં નવા પ્રકરણને લખાતું જોઈ રહ્યા છીએ.’

મોદીએ ભારત-અમેરિકાના સંબંધ મજબૂત કરવામાં અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના લોકોનું જે યોગદાન રહ્યું છે એને પણ ખૂબ બિરદાવ્યું હતું.

મોદીએ તેમનેકહ્યું હતું કે ‘તમે કોવિડ, ક્લાઇમેટ ચેન્જ અને ચાર દેશો વચ્ચેના સંગઠન ક્વાડના સંદર્ભમાં ઘણી અનોખી પહેલ કરી છે. આનાથી આપણા સૌ કોઈના ભાવિ પર ખૂબ જ સારી અસર પડશે.’

મોદીએ બાઇડનને એવું પણ જણાવ્યું હતું કે બન્ને દેશો વેપારના ક્ષેત્રે ભાગીદારીને વધુ મજબૂત કરી શકે એમ છે. આપણા એકમેક પ્રત્યેના સહકારમાં ટ્રેડ મુખ્ય સ્થાને રહેશે.

નરેન્દ્ર મોદી ગઈ કાલે વાઇટ હાઉસમાં પ્રમુખ જો બાઇડનને મળ્યા ત્યારે ખૂબ ખુશમિજાજમાં હતા. બાઇડને જાણે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો અને મોદીએ તાબડતોબ તેમને વધાવી લીધા હતા (તસવીર : એ.એફ.પી.)

“આવતા મહિને મહાત્મા ગાંધીજીની જન્મજયંતીનો અવસર છે અને એ નિમિત્તે આપણે તેમના ઉપદેશોને યાદ કરવાના છે. આજના સમયમાં તેમના અહિંસાના અને વિશ્ર્વાસની ભાવનાનાં ઉપદેશો બધાને લાગુ પડે એવા છે” : જો બાઇડન

પીએમ મોદીએ ઉપપ્રમુખ કમલા હૅરિસને આપી યાદગાર ભેટસોગાદો

પ્રેસિડન્ટ બાઇડનને મળતાં પહેલાં વડા પ્રધાન મોદી અમેરિકાનાં ઉપ-પ્રમુખ કમલા હૅરિસને પણ મળ્યા હતા. મોદી અને હૅરિસે ભારત-અમેરિકાની વ્યુહાત્મક મૈત્રી વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો હતો તેમ જ લોકશાહી તથા ઇન્ડો-પૅસિફિક મહાસાગરમાં જે ભયસ્થાનો છે એનો સાથે મળીને સામનો કરવાનો નિર્ધાર કર્યો હતો.

હૅરિસના ગ્રૅન્ડફાધર ભારતના વરિષ્ઠ અધિકારી હતા અને તેમની જૂના નોટિફિકેશન સહિતની લાકડાની હસ્તકલાવાળી ફ્રેમ નરેન્દ્ર મોદીએ હૅરિસને ગિફ્ટ આપી હતી. મોદીએ હૅરિસને ‘મીનાકારી’ ચેસ સેટ પણ ભેટ આપ્યો હતો.

international news united states of america india narendra modi