નરેન્દ્ર મોદીએ સેશેલ્સમાં અલ્ડાબ્રા જાયન્ટ કાચબાઓને નિહાળ્યા, એમને ખવડાવ્યું

28 June, 2026 12:46 PM IST  |  Seychelles | Gujarati Mid-day Correspondent

સેશેલ્સ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર રાષ્ટ્રપતિ ડૉ. પૅટ્રિક હર્મિની અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા

ગઈ કાલે સેશેલ્સમાં નરેન્દ્ર મોદીનું કચ્છી સ્વાગત થયું હતું. ગઈ કાલે સેશેલ્સમાં અલ્ડાબ્રા જાયન્ટ ટૉર્ટોઇઝને ખવડાવતા નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સેશેલ્સની ત્રિદિવસીય સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું અત્યંત ઉષ્માભર્યું અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. સેશેલ્સ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર રાષ્ટ્રપતિ ડૉ. પૅટ્રિક હર્મિની અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા અને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. વડા પ્રધાનના સ્વાગત માટે પ્રવાસી ભારતીયો મોટી સંખ્યામાં ઍરપોર્ટ બહાર ઊમટી પડ્યા હતા. નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ભારતના કચ્છના લોકનૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયા હતા.

પોતાની આ મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પૅટ્રિક હર્મિની સાથે સેશેલ્સ નૅશનલ બૉટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી હતી અને ત્યાં અલ્ડાબ્રા જાયન્ટ કાચબાઓના ખાસ એન્ક્લોઝરની મુલાકાત લીધી હતી. એમાંના અલ્ડાબ્રા કાચબા વિશ્વની સૌથી મોટી અને સૌથી લાંબું આયુષ્ય ધરાવતી પ્રજાતિઓ પૈકીની એક છે જેમાંના કેટલાક કાચબા ૨૦૦ વર્ષથી વધુ સમય જીવ્યા છે. 
નરેન્દ્ર મોદીએ આ ખાસ પ્રજાતિને ભારત અને સેશેલ્સ વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનું પ્રતીક ગણાવી હતી. તેમણે ભૂતકાળના મધુર આદાનપ્રદાનને વાગોળતાં કહ્યું હતું કે ‘સેશેલ્સે ૨૦૧૪માં કલકત્તાના અલીપોર ઝૂને બે અલ્ડાબ્રા જાયન્ટ કાચબા ભેટમાં આપ્યા હતા અને ત્યાર બાદ હૈદરાબાદ ઝૂને પણ આવા જ કાચબા ભેટસ્વરૂપે આપ્યા હતા. આ મુલાકાતે બન્ને દેશો વચ્ચેની અનન્ય સાંસ્કૃતિક અને પર્યાવરણીય કડીને વધુ પ્રગાઢ બનાવી છે.’ 

international news world news narendra modi indian government