06 September, 2026 02:43 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
ચંદ્રિકા શ્રેષ્ઠા
નેપાલમાં ૨૬ ઑગસ્ટે આવેલા વિનાશક પૂરની ઘટનાના અગિયારમા દિવસે નુવાકોટના બેત્રાવતીમાં એક ઘરની નીચે ૧૧ દિવસથી દટાયેલી ૬૦ વર્ષની ચંદ્રિકા શ્રેષ્ઠા નામની મહિલાને ઇમર્જન્સી ટીમોએ ગઈ કાલે જીવતી શોધી કાઢી હતી અને બચાવી લીધી હતી. બેત્રાવતી બજારમાં કાદવ અને પૂરના કાટમાળથી ભરાઈ ગયેલી ચાર માળના બિલ્ડિંગના ઉપરના માળે તે ફસાઈ ગઈ હતી.
નેપાલ પોલીસ અને સશસ્ત્ર પોલીસદળની સંયુક્ત કામગીરી વખતે કાટમાળ નીચેથી તેનો અવાજ સંભળાયો હતો. બચાવકર્તાઓએ શરૂઆતમાં તેને અસ્થિર, અર્ધ બેભાન અવસ્થામાં શોધી કાઢી હતી. તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને મેડિકલ તપાસ માટે તેને નેપાલ આર્મીના હેલિકૉપ્ટર દ્વારા ઍરલિફ્ટ કરીને કાઠમાંડુની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ત્રિશુલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાંથી ચાઇનીઝ વર્કર પણ જીવતો મળ્યો
નેપાલમાં બચાવટીમોએ ગઈ કાલે પૂરગ્રસ્ત ત્રિશુલી-3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલની અંદર ફસાયેલા એક ચાઇનીઝ કામદારને જીવતો શોધી કાઢીને બચાવી લીધો હતો. આમ ૨૬ ઑગસ્ટના પૂરના ૧૦ દિવસ બાદ ટનલમાંથી કુલ ૩ કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. આ પહેલાં શુક્રવારે બે કામદારોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ચાઇનીઝ નાગરિક સલામત છે.