30 March, 2026 12:11 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નેપાલમાં હાલમાં જ બનેલી વડા પ્રધાન બાલેન શાહની સરકારે સ્ટુડન્ટ્સ રાજનીતિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. એણે પાંચમા ધોરણ સુધીના સ્ટુડન્ટ્સ માટેની પરીક્ષાઓ રદ કરી છે અને સ્કૂલો અને કૉલેજોને તેમનાં વિદેશી નામો બદલીને નેપાલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શનિવારે રાતે જાહેર કરાયેલા એક આદેશમાં સરકારે જણાવ્યું હતું કે આ નિર્ણયો એની ૧૦૦ દિવસની કાર્યયોજનાના ભાગરૂપે લેવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ શિક્ષણને રાજનીતિથી મુક્ત કરવાનો અને એને સુધારવાનો છે.
હવે સ્કૂલો અને કૉલેજોમાં કોઈ રાજકીય પ્રવૃત્તિ થશે નહીં. તમામ રાજકીય પક્ષો સાથે જોડાયેલાં વિદ્યાર્થી સંગઠનોને ૬૦ દિવસની અંદર કૉલેજના કૅમ્પસમાંથી એમની ઑફિસો દૂર કરવાની જરૂર પડશે. એના સ્થાને સરકાર ૯૦ દિવસની અંદર ‘સ્ટુડન્ટ્સ કાઉન્સિલ’ અથવા ‘વૉઇસ ઑફ સ્ટુડન્ટ્સ’ જેવાં નવાં પ્લૅટફૉર્મ શરૂ કરશે જે સંપૂર્ણપણે બિનરાજકીય હશે અને ફક્ત વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સ્કૂલો અને કૉલેજો હવે રાજકારણનું કેન્દ્ર નહીં રહે, પરંતુ ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે સેવા આપશે. શૈક્ષણિક સંસ્થાઓમાં લાંબા સમયથી ચાલી આવતી રાજકીય દખલગીરીનો અંત લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ માટે કેટલાક અન્ય મહત્ત્વપૂર્ણ ફેરફારો પણ કરવામાં આવ્યા છે. ગ્રૅજ્યુએશન માટે હવે નેપાલી નાગરિકતાની જરૂર રહેશે નહીં, જેથી દસ્તાવેજોના અભાવે કોઈનું શિક્ષણ અવરોધાશે નહીં. સરકારે એવો પણ નિર્દેશ આપ્યો છે કે ઑક્સફર્ડ, પેન્ટાગૉન અથવા સેન્ટ ઝેવિયર્સ જેવાં વિદેશી નામો ધરાવતી સ્કૂલો અને કૉલેજોએ આ વર્ષની અંદર એમનાં નામ બદલવાં પડશે.
નેપાલ સરકારની યોજના મુજબ વરિષ્ઠ રાજકારણીઓ અને અધિકારીઓની સંપત્તિની તપાસ કરવામાં આવશે. ૨૦૦૬ પછી ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોની સંપત્તિની તપાસ કરવા માટે ૧૫ દિવસની અંદર એક સમિતિની રચના કરવામાં આવશે. ત્યાર બાદ ૧૯૯૧થી ૨૦૦૬ વચ્ચેના કેસોની પણ તપાસ કરવામાં આવશે.