27 August, 2026 12:14 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
લ્હેંદે નદીમાં હજી ભારે કાટમાળ છે, આ બ્લૉકેજ ગમે ત્યાર તૂટશે તો વધુ તબાહી થવાની સંભાવના ઃ ભોટેકોશી નદીના કાંઠે રહેતા હજારો લોકોને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા
નેપાલના રસુવા જિલ્લામાં આવેલા ભયંકર પૂરે ભારે તબાહી મચાવી છે. જોકે હજી ખતરો પૂરો ટળ્યો નથી. હવે બીજા વિનાશક પૂરનો મોટો ખતરો હોવાની કાઠમાંડુસ્થિત ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટન ડેવલપમેન્ટ (ICIMOD) નામની સંસ્થાના નિષ્ણાતોએ ગંભીર ચેતવણી આપી છે. ૪.૪ની તીવ્રતાના ભૂકંપ બાદ બરફ અને ખડકો ધસી પડતાં નેપાલ-ચીન સરહદે લ્હેંદે નદીમાં હજી પણ મોટો બ્લૉકેજ જમા થયો છે. આ વિશાળ બ્લૉકેજ ગમે ત્યારે ફૂટી શકે છે અને એનાથી અગાઉ કરતાં પણ ભયાનક બીજું પૂર આવવાની પૂરી સંભાવના છે.
આ ગંભીર ચેતવણીને પગલે જિલ્લા વહીવટી તંત્રે ભોટેકોશી નદીના કાંઠે રહેતા લોકોને તાત્કાલિક ઊંચાણવાળા સ્થળે ખસી જવાની કડક સૂચના આપી છે. નદીઓ અત્યારે પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
પાણીના ધસમસતા પ્રવાહને કારણે બચાવ-કામગીરી માટે ગયેલાં હેલિકૉપ્ટરો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લૅન્ડ થઈ શક્યાં નહોતાં. સ્થાનિક સ્વાસ્થ્યકર્મી તુલા બહાદુરના જણાવ્યા મુજબ નદીકાંઠાની તમામ વસાહતો સંપૂર્ણપણે નાશ પામી છે. જો હવે બીજું પૂર આવશે તો અકલ્પનીય જાનહાનિ અને જંગી નુકસાન થઈ શકે છે.
કોઈ પણ ક્ષણે પાણીનું સ્તર અચાનક વધે એવી સંભાવનાને પગલે ૧૧ રેસ્ક્યુ ટીમ તહેનાત
નેપાલના ફ્લૅશ ફ્લડ પછી બિહારમાં ગંડક નદી ગાંડીતૂર થાય એવો ખતરો મંડરાઈ રહ્યો છે. એને કારણે રાજ્ય સરકારે મુઝફ્ફરપુર સહિત ૮ જિલ્લામાં હાઈ અલર્ટ જાહેર કરી છે. ગંડક નદીની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં બૅરેજના ગેટ ખોલી દેવાયા હોવાથી ડિઝૅસ્ટર ટીમની યુદ્ધના ધોરણે તૈયારી છે.
હાઈ અલર્ટ અને બેસિન પર નજર : નેપાલમાં આવેલા ભયંકર ફ્લૅશ ફ્લડ બાદ ગંડક અને કોસી નદી બેસિનના સંવેદનશીલ વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે.
બૅરેજના ગેટ ખુલ્લા રખાયા : પાણીના અચાનક દબાણને નિયંત્રિત કરવા અને સુરક્ષિત રીતે પાણી આગળ વધારવા માટે વાલ્મીકિનગર ગંડક બૅરેજના તમામ ૩૬ ગેટ ખોલી દેવામાં આવ્યા છે.
ડિઝૅસ્ટર ટીમ તહેનાત : સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે પશ્ચિમ ચંપારણ, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) તથા સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની કુલ ૯ ટીમ તહેનાત કરવામાં આવી છે.
સશસ્ત્ર સીમા બળ સ્ટૅન્ડબાય : સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને કટોકટીની રાહત બચાવ-કામગીરી માટે સશસ્ત્ર સીમા બળ (SSB)ની ૧૧ રેસ્ક્યુ ટીમને અલર્ટ મોડ પર રાખીને સ્ટૅન્ડબાય રાખવામાં આવી છે.
નીચાણવાળા વિસ્તારોમાં સૂચના : સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રને સતત મૉનિટરિંગ કરવા અને સુરક્ષાનાં તમામ જરૂરી પગલાં સમયસર લેવા કડક નિર્દેશ આપવામાં આવ્યો છે.