17 September, 2025 09:05 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
કાઠમાંડુ
કાઠમાંડુમાં જેન-ઝીએ કરેલા સરકારવિરોધી પ્રદર્શનમાં કુલ ૭૨ લોકો મૃત્યુ પામ્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ હિંસક વિરોધ દરમ્યાન મૃત્યુ પામેલા યુવાનોની અંતિમવિધિ પહેલાં સામૂહિક અંતિમયાત્રા નીકળી હતી. કાઠમાંડુની મહારાજગંજની ત્રિભુવન યુનિવર્સિટીથી શરૂ થઈને પશુપતિ આર્યઘાટ સુધી અંતિમયાત્રા નીકળી ત્યારે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં.
કે. પી. ઓલીની સરકાર પડી ભાંગ્યા પછી નવી બનેલી વચગાળાની સરકારે આ વિરોધ-પ્રદર્શનમાં જીવ ગુમાવનારાઓને શહીદ જાહેર કર્યા હતા અને તેમના પરિવારોને ૧૫ લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. ગૃહપ્રધાન ઓમ પ્રકાશ આર્યલે આજે ૧૭ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શોક અને રજા જાહેર કર્યાં હતાં. આજે નેપાલમાં ઝંડાને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. તેમણે આ વિદ્રોહમાં મૃત્યુ પામનારા લોકોના સન્માનમાં જેન-ઝી જાગૃતિ પાર્ક બનાવવાની ઘોષણા પણ કરી હતી.