✕

મિસાઈલ ટાઈમ પર પહોંચી રહી છે પણ…: UNમાં નેપાળના PM બાલેન શાહના ભાષણની થઈ પ્રશંસા

26 September, 2026 04:33 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

બાલેન શાહે કહ્યું, "ભોટે કોશી અને ત્રિશુળી નદીઓમાં આવેલા પૂર માત્ર સ્થાનિક દુર્ઘટનાઓ નહોતી; તે સમગ્ર વિશ્વ માટે એક ચેતવણી હતી." તેમણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા ત્રણ વર્ષ પહેલાં આપવામાં આવેલી ચેતવણીનો પણ ઉલ્લેખ કર્યો."

નેપાળના વડા પ્રધાન બાલેન શાહ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૧મા સત્રમાં નેપાળના વડા પ્રધાન બાલેન શાહ દ્વારા આપવામાં આવેલું ભાષણ ચર્ચાનો વિષય બન્યું છે. ૨૪ સપ્ટેમ્બરના રોજ, શાહે ક્લાઇમેટ ચેન્જ, નેપાળમાં આવેલા પૂર અને ચાલુ વૈશ્વિક સંઘર્ષો વચ્ચે ખોરાક અને ઇંધણ સંબંધિત સમસ્યાઓ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમના ભાષણની બે ચોક્કસ પંક્તિઓએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. તેમણે કહ્યું, "અમે એવા ક્લાઇમેટના પરિણામો ભોગવી રહ્યા છીએ જેને અમે ગરમ કરી નથી, અને એવા યુદ્ધોના પરિણામો ભોગવી રહ્યા છીએ જે અમે શરૂ કરી નથી." તેમણે વધુમાં ટિપ્પણી કરી, "અમે એક એવી દુનિયા બનાવી છે જેમાં યુદ્ધ માટે ઉત્તમ લૉજિસ્ટિક્સ (વ્યવસ્થા) છે, પરંતુ ખોરાક માટે જર્જરિત લૉજિસ્ટિક્સ છે." આ પંક્તિઓ શૅર કરતા, મિડલ ઈસ્ટ ઇન્સ્ટિટ્યૂટના તુર્કી પ્રોગ્રામના સ્થાપક નિર્દેશક ગોનુલ ટોલે લખ્યું, "દુનિયાની વર્તમાન સ્થિતિનું આનાથી વધુ પ્રભાવશાળી રીતે વર્ણન કરવું મુશ્કેલ છે."

નેપાળમાં આવેલા પૂરનો ઉલ્લેખ

માર્ચમાં વડાપ્રધાન બન્યા પછી તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે ન્યૂયૉર્ક પહોંચેલા બાલેન શાહે ઑગસ્ટમાં નેપાળની ભોટે કોશી અને ત્રિશુલી નદીઓમાં આવેલા વિનાશક પૂર વિશે વાત કરી હતી. આ પૂરમાં ઓછામાં ઓછા ૧,૪૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૬,૦૦૦ લોકો હજી પણ ગુમ છે. તેમણે કહ્યું, "મિસાઈલો સમયસર પહોંચે છે. રાઇફલ્સ અને દારૂગોળો નિર્ધારિત સમયે તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે દરેક અવરોધને પાર કરે છે. તેમ છતાં, નેપાળનો ખેડૂત જરૂરિયાતના સમયે બજારના ભાવે ખાતર કે ઇંધણ ખરીદી શકતો નથી. આપણે એક એવી દુનિયા બનાવી છે જ્યાં યુદ્ધ માટેની વ્યવસ્થા શ્રેષ્ઠ છે, પરંતુ ખોરાક માટેની વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે." પૂરથી થયેલા વિનાશ પર ચિંતન કરતા તેમણે કહ્યું, "મારી ઈચ્છા હતી કે આજે હું અહીં માત્ર વિકાસ, લોકશાહી, શાંતિ અને એક યુવાન રાષ્ટ્રની આકાંક્ષાઓ વિશે વાત કરવા માટે ઊભો હોત. તેના બદલે, હું સામૂહિક મૃત્યુ અને વિનાશ વિશે વાત કરવા માટે મજબૂર છું. એવા પરિવારો વિશે વિચારો જેઓ તેમના પ્રિયજનોની વાપસીની રાહ જોઈ રહ્યા છે, જેઓ ક્યારેય ઘરે પાછા ફરશે નહીં. એવા સમુદાયો વિશે વિચારો જે કાદવ, પથ્થરો અને પાણીમાં એવા લોકોની શોધ કરી રહ્યા છે જેના મૃતદેહો કદાચ ક્યારેય મળી શકશે નહીં."

ક્લાઇમેટ સંકટ અંગે વિશ્વને ચેતવણી

બાલેન શાહે કહ્યું, "ભોટે કોશી અને ત્રિશુળી નદીઓમાં આવેલા પૂર માત્ર સ્થાનિક દુર્ઘટનાઓ નહોતી; તે સમગ્ર વિશ્વ માટે એક ચેતવણી હતી." તેમણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા ત્રણ વર્ષ પહેલાં આપવામાં આવેલી ચેતવણીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું, "`વિશ્વની છત` (હિમાલય) પરથી આપવામાં આવેલી હાકલને વૈશ્વિક સમુદાયે યોગ્ય રીતે સાંભળી નથી. નેપાળમાં અમે તે અવાજ સાંભળ્યો. અમારા સમુદાયોએ તે સાંભળ્યો. વૈજ્ઞાનિકોએ તે સાંભળ્યો અને વારંવાર વિશ્વ સમક્ષ આ જોખમના પુરાવા રજૂ કર્યા. આપણે—વિશ્વના નેતાઓ—આ ચેતવણીઓને નક્કર પગલાંમાં પરિવર્તિત કરવામાં બેદરકાર રહ્યા છીએ; એવા પગલાં જે જરૂરી ગતિ અને વ્યાપ સાથે લેવાવા જોઈએ અને જેની સંવેદનશીલ તથા સંકટગ્રસ્ત લોકોને જરૂર છે."

નેપાળનું ઉત્સર્જન: ૦.૧ ટકાથી ઓછું

બાલેન શાહે ટિપ્પણી કરી, "ક્લાઇમેટ ચેન્જ સરહદોને માનતું નથી. હિમનદીઓ અને પૂર પાસપોર્ટ પર વિઝા સ્ટેમ્પ મેળવીને સરહદો પાર કરતા નથી." આપત્તિ બાદ નેપાળને મદદ કરવા બદલ તેમણે ભારત અને ચીનનો આભાર માન્યો. તેમણે નોંધ્યું, "વૈશ્વિક ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં નેપાળનો ફાળો ૦.૧ ટકાથી પણ ઓછો છે. અમે આ સંકટ ઊભું કર્યું નથી, છતાં અમે તેની ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ. અમારી હિમનદીઓ ઝડપથી ઓગળી રહી છે. અમારા પર્વતોના ઢોળાવ અસ્થિર બની રહ્યા છે. અમારી નદીઓના પ્રવાહની આગાહી કરવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે." બાલેન શાહે ભારપૂર્વક કહ્યું, "ક્લાઇમેટ ન્યાય એ માત્ર સંયુક્ત રાષ્ટ્રના દસ્તાવેજોમાં લખાયેલો સુંદર ખ્યાલ બનીને રહી શકે નહીં." તેમણે ખાતર, ડામર અને રસોઈના બળતણની અછત પર પણ પ્રકાશ પાડ્યો.

nepal united nations flash floods international news new york middle east crisis