24 October, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
યુટ્યુબ એક નવું ફીચર ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યું છે જેનાથી ઘણાબધા લોકો આદતવશ જોયા વગર જે સ્ક્રોલિંગ કર્યા કરે છે એના પર કાબૂ મુકાશે. યુટ્યુબનાં ઍપ્લિકેશન સેટિંગ્સમાં યુઝરને એક નવું ફીચર મળશે જેનાથી લોકો નક્કી કરી શકશે કે દરરોજ તેઓ કેટલા સમય માટે શૉર્ટ વિડિયો જોવા માગે છે. એટલો સમય પૂરો થઈ જશે એટલે તરત સ્ક્રીન પર રિમાઇન્ડર આવી જશે અને યુઝરને યાદ અપાવશે કે એક દિવસ માટે શૉર્ટ્સ જોવાની તેમણે નક્કી કરેલી ટાઇમ-લિમિટ પૂરી થઈ ગઈ છે.
જોકે ટાઇમ-લિમિટ પૂરી થયા પછી પણ યુઝર ઇચ્છે તો રીલ્સ સ્ક્રોલ કરતો રહી શકે છે અને રિમાઇન્ડર ડિસમિસ કરીને શૉર્ટ્સ જોતો રહી શકે છે. યુઝર ત્યાં અટકી જવા માગે અને ડિસમિસ ન કરે તો એ દિવસ પૂરતી શૉર્ટ્સની ફીડ ત્યાં પૉઝ થઈ જશે. લોકોના બેફામ વધતા સ્ક્રીન-ટાઇમ સામે ટેક કંપનીઓ થોડી વધારે જવાબદારીપૂર્વક કામ કરે એવી માગણીને ધ્યાનમાં રાખીને આ નવું ફીચર ઍડ કરવામાં આવ્યું છે.
આ બે ફીચર પણ છે કામનાં
યુટ્યુબે શૉર્ટ્સ માટે ટાઇમ-લિમિટ નક્કી કરવાના ફીચર સાથે બીજાં પણ બે નવાં ફીચર ઉમેર્યાં છે. ટેક અ બ્રેક નામના સેટિંગથી યુઝર તેના એક સ્ક્રોલિંગ-સેશનનો સમય નક્કી કરી શકશે. એટલે કે એક વાર શૉર્ટ્સ જોવા માટે સ્ક્રોલિંગ ચાલુ કર્યા પછી જો તમે અટકી ન શકતા હો તો આ ફીચરથી ૧૫, ૩૦, ૬૦, ૯૦ કે ૧૮૦ મિનિટની લિમિટ સેટ કરી શકશો. ત્યારે શૉર્ટ્સને ફીડ આવવી આપોઆપ અટકી જશે અને તમને સ્ક્રીન પર ટાઇમ પૂરો થયો હોવાની અલર્ટ આપશે. જોકે અલર્ટને ડિસમિસ કરીને શૉર્ટ્સ જોતા રહેવાનો વિકલ્પ પણ મળશે.
એવું જ બીજું ફીચર બેડટાઇમ રિમાઇન્ડર છે. જે ટાઇમને યુઝર તેના પોતાના સૂવાના સમય તરીકે નક્કી કરી રાખશે એ ટાઇમે યુટ્યુબ ઍપ્લિકેશન ફીડને અટકાવીને ઊંઘવાનો સમય થઈ ગયો હોવાનું નોટિફિકેશન મોકલશે.