✕

ખાલિસ્તાની આતંકવાદીની હત્યાના કાવતરા બદલ ભારતના નિખિલ ગુપ્તાને અમેરિકામાં ૧૯ વર્ષની જેલની સજા

22 November, 2026 11:35 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કાર્યવાહી દરમ્યાન ગુરપતવંત સિંહ પન્નુએ દાવો કર્યો હતો કે તેની હત્યાના કાવતરાને કારણે તેની નિયમિત કાયદાકીય પ્રૅક્ટિસ ૧૨૦૦ દિવસથી વધુ સમય માટે ખોરવાઈ ગઈ હતી.

ખાલિસ્તાની આતંકવાદીની હત્યાના કાવતરા બદલ ભારતના નિખિલ ગુપ્તાને અમેરિકામાં ૧૯ વર્ષની જેલની સજા

અમેરિકામાં સિખ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યા કરવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ ધરાવતા પંચાવન વર્ષના ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને શુક્રવારે ન્યુ યૉર્કના એક ફેડરલ જજ દ્વારા ૨૩૫ મહિના એટલે કે ૧૯ વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારવામાં આવી છે. કાર્યવાહી દરમ્યાન ગુરપતવંત સિંહ પન્નુએ દાવો કર્યો હતો કે તેની હત્યાના કાવતરાને કારણે તેની નિયમિત કાયદાકીય પ્રૅક્ટિસ ૧૨૦૦ દિવસથી વધુ સમય માટે ખોરવાઈ ગઈ હતી. અમેરિકા અને કૅનેડા એમ બન્ને દેશોની નાગરિકતા ધરાવતા પન્નુને ભારત દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત અલગતાવાદી જૂથ સિખ્સ ફૉર જસ્ટિસ (SFJ)ના સ્વઘોષિત જનરલ કાઉન્સેલ એવા પન્નુનું નામ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મોસ્ટ વૉન્ટેડ યાદીમાં સામેલ છે. નિખિલ ગુપ્તાએ કોર્ટમાં પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. અમેરિકી સરકારે નિખિલ ગુપ્તા માટે ૨૪ વર્ષની જેલની સજાની માગણી કરી હતી. ગયા અઠવાડિયે કોર્ટમાં રજૂ કરેલી દલીલોમાં સરકારે જણાવ્યું હતું કે નિખિલ ગુપ્તાનું વર્તન અત્યંત ક્રૂર અને બેફામ હતું, ઓછામાં ઓછો એક ભારતીય સરકારી કર્મચારી તેનો સહ-ષડયંત્રકારી હતો, તેમણે રાજકીય વિચારધારાને કારણે અમેરિકી ધરતી પર એક અમેરિકી નાગરિકની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

united states of america new york khalistan international news murder case