New York Helicopter Crash: નદીમાં ખાબકી પડ્યું હેલિકોપ્ટર- માસૂમ બાળકો સહિત છનાં મોત

11 April, 2025 07:41 AM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

New York Helicopter Crash: હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. જેમાં ત્રણ બાળકો સહિત કુલ છ લોકોના મોત થયા છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

New York Helicopter Crash: અમેરિકામાંથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે. અહીં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેને કારણે છ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. ન્યૂયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. જેમાં ત્રણ બાળકો સહિત કુલ છ લોકોના મોત થયા છે. 

આ દુર્ઘટનાના પગલે માહિતી આપતાં ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, "તમામ છ મૃતકોને નદીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ એક હૃદયદ્રાવક અને દુ:ખદ બનાવ છે."

સ્પેનનો એક પરિવાર મોતને ભેટ્યો

ન્યુ યોર્ક શહેરના મેયરે સીએનએનને આ એક્સિડન્ટ વિષે ની માહિતી શેર કરી હતી. મૃતકોમાં એક પાયલોટ અને સ્પેનનો એક પરિવાર ભોગ બન્યો છે. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ હેલિકોપ્ટરમાં સિમેન્સ સ્પેનના પ્રમુખ અને સીઈઓ ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની અને ત્રણ બાળકો મુસાફરી કરી રહ્યાં હતાં. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પણ થયા ભાવુક, લખી આ પોસ્ટ 

આ ભયાવહ અને કરુણ ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. (New York Helicopter Crash) તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓએ લખ્યું હતું કે- "હડસન નદીમાં ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના બની છે. પાઇલટ, બે પુખ્ત વયના લોકો અને ત્રણ બાળકો આપણે ગુમાવ્યા છે. ક્રેશનો જે વીડિયો આવ્યો છે તે ડરામણો છે. ભગવાન મૃતકોના પરિવાર અને મિત્રોને શક્તિ આપે એ જ પ્રાર્થના"

કઇ રીતે બન્યો આ બનાવ 

ન્યૂ યોર્ક પોલીસ કમિશનર જેસિકા ટિશના જણાવ્યા અનુસાર, Bell 206 મોડેલનું ખૂબ જ જાણીતું હેલિકોપ્ટર ન્યૂ યોર્ક હેલિકોપ્ટર ટુર્સ દ્વારા સંચાલિત હતું. આ હેલિકોપ્ટરે બપોરે ૩ વાગ્યે ડાઉનટાઉન હેલિપેડથી ઉડાન ભરી હતી અને હડસન નદીના ઉત્તર તરફ જઈ રહ્યું હતું. જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ પાસે પહોંચતાં જ તે દક્ષિણ તરફ વળ્યું અને થોડીવારમાં તો તે લગભગ 3:15 વાગ્યે પલટી ખાઈને નદીમાં ડૂબી ગયું. હવામાં જ એ ભાંગી પડ્યું હતું, તેના પાર્ટસ છૂટા પડવા માંડ્યા હતા. 

અકસ્માત (New York Helicopter Crash) બાદ તરત ઇમરજન્સી ટીમો ત્યાં પહોંચી ગઈ હતી. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. નદીમાંથી છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. પીડિતોમાં ત્રણ માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે.

કોઈ કારણ સામે આવ્યું નથી – ટેકનિકલ ખામી હોય શકે કારણભૂત?

જો કે આ દુર્ઘટના પાછળનું કોઈ સ્પષ્ટ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પણ અધિકારીઓનું માનવું છે કે ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટરમાં પાઈલોટ દ્વારા સંતુલન ગુમાયું હશે.

international news world news new york city new york donald trump